મહારાષ્ટ્રના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી જે ઘટનાને માત્ર એક પ્રેમ ત્રિકોણના પરિણામ તરીકે જોવામાં આવતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત ગુનાહિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી સિયા ગોયલના મોબાઈલ ફોન ડેટા અને ડિજિટલ તપાસમાંથી પ્રાપ્ત થયેલી માહિતીએ પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે.

સિયા અને ચેતને ગુપચુપ કર્યા હતા લગ્ન

તપાસમાં બહાર આવ્યું છે કે સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરી કથિત રીતે હત્યાના ચાર મહિના પહેલા જ ગુપ્ત રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ લગ્ન વિશે તેઓએ પોતાના પરિવાર કે કેતન અગ્રવાલને જાણ થવા દીધી ન હતી. પોલીસનું માનવું છે કે, જ્યારે કેતનને આ ગુપ્ત સંબંધો અને લગ્ન વિશે જાણ થઈ, ત્યારે જ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ડિજિટલ ફોરેન્સિક તપાસમાં સામે આવી ચેટ્સ

ડિજિટલ ફોરેન્સિક તપાસમાં મળેલા વોટ્સએપ ચેટ્સ આ કેસમાં સૌથી મજબૂત પુરાવા સાબિત થઈ રહ્યા છે. ચેટ્સ દર્શાવે છે કે સિયાએ 14 જૂને જ કેતનની હત્યાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તે હિંમત હારી ગઈ હતી. સિયાએ ચેતનને મેસેજમાં લખ્યું હતું, "મારામાં આવું કરવાની હિંમત નથી, ચાલો, આપણે તેને એકસાથે પર્વત પરથી ધકેલી દઈએ." ત્યારબાદ, પૂર્વયોજિત યોજના મુજબ 18 જૂને સિયાએ કેતનને જન્મદિવસની પાર્ટીના બહાને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ અને ત્યાં તેને ઊંચાઈ પરથી કોતરમાં ધકેલીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી.

દાદા આઘાત ન સહન કરતા મૃત્યુ પામ્યા

ઉલ્લેખનીય છે કે, સિયા અને કેતનની સગાઈ થઈ ચૂકી હતી, છતાં સિયાએ ચેતન સાથે મળીને આ ભયાનક પગલું ભર્યું. આ આઘાતજનક ઘટના બાદ કેતનના દાદા દેવીચંદ્ર અગ્રવાલ પણ આઘાત સહન ન કરી શકતા અવસાન પામ્યા હતા, જેનાથી પરિવાર પર બેવડો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પીડિત પરિવારની ન્યાયની માંગ

આ કેસની ગંભીરતાને જોતા હવે તે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. પીડિત પરિવારની વિનંતીને માન આપીને મુખ્યમંત્રી ફડણવીસે આ કેસ લડવા માટે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે. પોલીસ હાલમાં સિયા અને ચેતનની કસ્ટડીમાં વધુ પૂછપરછ કરી રહી છે, જેથી આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ શકે. આ હત્યાકાંડે સમાજમાં ભય અને આશ્ચર્યની લાગણી ફેલાવી દીધી છે.

આ પણ વાંચોઃ cockroach janata party: અભિજીત દિપકેનો સરકાર પર પ્રહાર, કહ્યું 'વૃદ્ધ લોકો ક્યાં સુધી નિર્ણય લેશે?'