મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિમ્પરી-ચિંચવડ વિસ્તારના મોશી વિસ્તારમાં બુધવારે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કચરાના ડેપો પાસે આવેલી ત્રણ માળની એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જૂના કચરાનો વિશાળ ઢગલો સરકીને ઈમારત પર પડ્યો હતો, જેના કારણે આખી ઈમારત પળવારમાં તૂટી પડી. ઘટના સમયે ઈમારતમાં હાજર 15થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે 3 લોકોના મોત થયા છે.
https://twitter.com/ANI/status/2074800924460261571
અંદાજે 16 કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા
પિમ્પરી-ચિંચવડ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે આ વહીવટી ઈમારત જૂના કચરાના વિશાળ ઢગલાની બાજુમાં બનાવવામાં આવી હતી. સતત વરસાદને કારણે કચરાનો ઢગલો અસ્થિર બન્યો અને ઈમારત પર ધસી પડતાં આખું માળખું ધરાશાયી થઈ ગયું. અધિકારીઓના જણાવ્યા મુજબ, દુર્ઘટના થયેલી ઈમારત એક ખાનગી કંપનીનું વહીવટી કાર્યાલય હતું. આ કંપની મહાનગરપાલિકા માટે કચરાના પ્રોસેસિંગ અને નિકાલનું કામ કરતી હતી. ઘટનાના સમયે અંદાજે 16 કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા, જેઓ કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે.
NDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સ્થાનિક પ્રશાસન અને અન્ય આપત્તિ રાહત દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. NDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે અને ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ જાનહાનિ અને નુકસાન અંગેની સચોટ માહિતી સામે આવશે.
પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ, ઠાણે અને નાશિક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પાલઘર, રાયગઢ, પુણે ઘાટ, નાશિક ઘાટ અને સતારા ઘાટ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Kashi Vishwanath : શ્રાવણ મહિનામાં મંદિરમાં VIP દર્શન અને મોબાઈલ સહિત અનેક વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ