ભારતીય નૌકાદળે પોતાના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર રાફેલ મરીન ફાઇટર જેટનું પ્રથમ જ પ્રયાસમાં સફળ લેન્ડિંગ કરાવીને દરિયાઈ ક્ષેત્રમાં પોતાની સર્વોચ્ચ શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક સફળતા ભારતીય નૌસેનાના પાયલટોની અપ્રતિમ કુશળતા દર્શાવે છે. 29 ઑક્ટોબરે થયેલા આ સફળ પરીક્ષણથી ભારતની રક્ષણાત્મક સજ્જતા એક અત્યંત ઉચ્ચ મુકામ પર પહોંચી ગઈ છે.
એરક્રાફ્ટ કેરિયર પર ફાઇટર જેટનું ઉતરાણ પડકારજનક અને જોખમી
એરક્રાફ્ટ કેરિયર પર ફાઇટર જેટનું ઉતરાણ સામાન્ય જમીની હવાઈ મથક કરતાં ઘણું વધારે પડકારજનક અને જોખમી માનવામાં આવે છે. સમુદ્ર વચ્ચે તરતા એરપોર્ટ જેવા આ જહાજની ઉડાન પટ્ટી જમીન પરના રનવે જેટલી લાંબી હોતી નથી, તેથી વિમાનને ખૂબ જ ટૂંકા અંતરમાં પોતાની ગતિ નિયંત્રિત કરીને ડેક પર ઉતરવું પડે છે.
https://x.com/indiannavy/status/2116112357168713918?a=W5xNGYY0UUHEXU4jQn0&s=20
પાયલટોએ વિશેષ ફ્લાઇટ તકનીનો ઉપયોગ કરવો પડે
આ અત્યંત જટિલ પ્રક્રિયા માટે નૌકાદળના પાયલટોએ વિશેષ ફ્લાઇટ તકનીક અને ચોક્કસ નિયંત્રણનો ઉપયોગ કરવો પડે છે. રાફેલ મરીન ખાસ કરીને આવા સામુદ્રિક મિશનો માટે તૈયાર કરાયેલું અદ્યતન લડાકુ વિમાન છે, જે મર્યાદિત અંતરમાંથી સરળતાથી ઉડાન ભરવા અને જહાજ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.
મર્યાદિત કદ ધરાવતા ફ્લાઇટ ડેક પર ઉતરાણ
આ પરીક્ષણની સૌથી મોટી વિશેષતા એ રહી કે વિમાને પ્રથમ જ કોશિશમાં મર્યાદિત કદ ધરાવતા ફ્લાઇટ ડેક પર ઉતરાણ પૂરું કર્યું હતું, જેનો વીડિયો પણ નૌકાદળે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સિદ્ધિ સાથે જ ભારતીય નૌસેનાની તાકાતનો પરચમ સમુદ્ર પર વધુ મજબૂત રીતે લહેરાયો છે.
પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત
ભારતમાં જ સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત દેશની સામુદ્રિક સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર છે. આ મહાકાય જહાજ અને રાફેલ મરીન જેવા આધુનિક લડાકુ વિમાનની જોડી ભારતીય નૌસેનાની યુદ્ધ ક્ષમતામાં મોટો વધારો કરે છે. હાલમાં આ વિમાનના વિવિધ પરીક્ષણો ચાલી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વિમાન અને યુદ્ધજહાજ વચ્ચેના સંચાલનની અનુકૂળતા ચકાસવાનો છે.
હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક પકડ મજબૂત
આ કવાયતથી એ સાબિત થશે કે દરિયાઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિમાનને વિક્રાંતના ડેક પરથી કેવી રીતે ચલાવી શકાય છે. હવે પછીના તબક્કાના પરીક્ષણો રાફેલ મરીનને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવાના માર્ગને વધુ મજબૂત બનાવશે. આ સફળતાથી હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક પકડ મજબૂત થઈ છે, જેના કારણે પાકિસ્તાની રક્ષા ક્ષેત્રમાં ભારે ગભરાટ ફેલાયો છે અને તેના તમામ સૈન્ય સમીકરણો ડગમગી ગયા છે.
આ પણ વાંચો : Smit Macharના માથાની પાછળ લાગેલા ટાંકા જ દર્શાવે છે કે હુમલો કેવો ઘાતક હતો, ઘાના નિશાન બહાદુરીના સાક્ષી