અલ્હાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કરતી અરજીને પરત ખેંચવાની મંજૂરી આપી તેને ફગાવી દીધી છે. જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ અભિષેક કુમાર ચૌધરીની બેન્ચે નોંધ્યું કે અરજદારો, જેમાં એડવોકેટ અશોક પાંડેનો પણ સમાવેશ થાય છે, પોતાના આરોપોના સમર્થનમાં એક પણ દસ્તાવેજ રજૂ કરી શક્યા નથી.
ભારતીય નાગરિકતા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા
અરજીમાં રાહુલ ગાંધીને ‘રાઉલ વિન્સી’ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને તેમની રાયબરેલી લોકસભા બેઠક તેમજ ભારતીય નાગરિકતા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ છે. જોકે, કોર્ટ સમક્ષ આ દાવાને સમર્થન આપતા કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.
કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા
અરજીમાં બ્રિટનની કંપની Backops Limitedનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આ કંપની સાથે જોડાયેલા કોઈ એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા, જેના આધારે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાના દાવાને સમર્થન મળી શકે. હાઈકોર્ટે નોંધ્યું કે રાહુલ ગાંધીની નાગરિકતા અંગેનો મુદ્દો અગાઉ પણ 2015 અને 2019માં ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલો નાગરિકતા અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકાર સમક્ષ પહેલેથી જ વિચારાધીન છે.
અરજદારો આરોપોને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હોવાથી તેમણે પોતાની અરજી પરત ખેંચવાની મંજૂરી માગી હતી. કોર્ટે આ મંજૂરી આપતા અરજીનો નિકાલ કર્યો. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે કરવામાં આવેલી અરજીમાં રજૂ કરાયેલા આરોપોને લઈને કોઈ દસ્તાવેજી આધાર કોર્ટ સમક્ષ સ્થાપિત થયો નથી. જોકે, નાગરિકતા સંબંધિત મૂળ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ નાગરિકતા અધિનિયમ હેઠળ વિચારાધીન હોવાનું કોર્ટે નોંધ્યું છે.
આ પણ વાંચો : Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું 'પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી'