કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવામાં આવેલી ટિપ્પણી સંબંધિત માનહાનિના એક કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની નીચલી કોર્ટમાં ચાલી રહેલી આગળની તમામ કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૯ માં જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા બોમ્બે હાઇકોર્ટના નિર્ણયની સમીક્ષા કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.
રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી
મંગળવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની ખંડપીઠે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ મામલે મહારાષ્ટ્ર સરકાર તેમજ ફરિયાદી મહેશ શ્રીશ્રીમલને નોટિસ ફટકારીને 4 અઠવાડિયાની અંદર જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
રાહુલ ગાંધીએ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બોમ્બે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. બોમ્બે હાઇકોર્ટે ૨૮ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ મુંબઈની ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રાહુલ ગાંધી સામે જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જોકે, હાઇકોર્ટે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય મળી રહે તે હેતુથી મેજિસ્ટ્રેટ કોર્ટની સુનાવણીને છ અઠવાડિયા માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે રાહુલ ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં આ અરજી દાખલ કરી હતી.
શું છે સમગ્ર મામલો અને ફરિયાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત 20 સપ્ટેમ્બર, 2018 ના રોજ થઈ હતી. ફરિયાદી મહેશ શ્રીશ્રીમલના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદનથી વડાપ્રધાન મોદીની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્યો અને તેની સાથે જોડાયેલા તમામ કાર્યકરોની સામાજિક પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે.
ફરિયાદી મહેશ શ્રીશ્રીમલે કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ પોતે ભાજપના સક્રિય સભ્ય છે અને તેમના પક્ષના સર્વોચ્ચ નેતા વિરુદ્ધ કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીથી તેમની લાગણી દુભાઈ છે. હાલ સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે.
આ પણ વાંચોઃ નવરાત્રિમાં ડાયેટમાં આ ફૂડ કરો સામેલ, રહેશો એનર્જેટિક