તાજેતરમાં ભારતીય રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ 'મત ચોરી' મુદ્દે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ચૂંટણી પંચ (ECI) પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે એસઆઈઆર (SIR) વિવાદ ચરમસીમા પર છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 'મત ચોરી' એ માત્ર ચૂંટણીની અનિયમિતતા નથી, પરંતુ તે ભારતના લોકો સામેનો સીધો ગુનો અને આપણા બંધારણ પર ઘા છે. તેમણે આ ત્રણેય સંસ્થાઓ પર મિલીભગતનો ગંભીર આરોપ મૂકતા તેને 'દેશદ્રોહ' સમાન ગણાવ્યો છે અને ખાતરી આપી છે કે આ મામલે ન્યાય જરૂર મળશે.

વિવાદની શરૂઆત કયારે થઇ?

આ સમગ્ર રાજકીય ગરમાવાનું મુખ્ય કારણ તાજેતરમાં સામે આવેલો એક અહેવાલ છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 10 મહિનાના સમયગાળામાં, ચૂંટણી પંચના બે કમિશનરો દ્વારા પંચના વિવિધ નિર્ણયો અને આદેશો સામે કુલ ૧૪ વાંધાઓ નોંધાવવામાં આવ્યા હતા. આ વાંધાઓ ખાસ કરીને નવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવા, હાલના મતદારોના નામ દૂર કરવા અને અન્ય સંવેદનશીલ પ્રક્રિયાઓ સાથે જોડાયેલા હતા. આ અહેવાલ બહાર આવતા જ વિપક્ષી પક્ષોને સરકાર અને ચૂંટણી પંચને ઘેરવાનું મોટું હથિયાર મળી ગયું.
https://twitter.com/RahulGandhi/status/2102653326630478335

કોંગ્રેસ મહાસચિવે પણ કર્યા પ્રહાર

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રહાર કરતા લખ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એ ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને પ્રામાણિકતાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વિરોધ પક્ષો હવે સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ કે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

ચૂંટણી પંચનો ખુલાસો અને પલટવાર

બીજી બાજુ, ચૂંટણી પંચે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ ચૂંટણી કમિશનરે કમિશનના અંતિમ નિર્ણયો સામે કોઈ અસંમતિ દર્શાવી નથી. શરૂઆતમાં કમિશનરો દ્વારા કેટલાક મુદ્દાઓ ચર્ચા માટે જરૂર ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ પંચે પરસ્પર ચિંતન અને વિચારણા બાદ જ યોગ્ય પગલાં લીધા છે. પંચે સ્પષ્ટતા કરી છે કે તમામ નિર્ણયો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની સર્વાનુમતે સહી સાથે લેવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/2102678582783054099

આ મામલે સત્તાધારી પક્ષ પણ આક્રમક મૂડમાં છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ માત્ર ટીકાઓ અને રાજકારણ કરવાનું જ જાણે છે. આ પ્રકારે રાહુલ ગાંધીના 'રાજદ્રોહ' અને 'મત ચોરી'ના ગંભીર આરોપોએ આગામી દિવસોમાં શાસક અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાની પૂરી સંભાવના ઊભી કરી છે.

આ પણ વાંચોઃ  Iranian Airlines પર વૈશ્વિક પ્રતિબંધ!ભારત માટે કેમ મુશ્કેલ બની શકે સ્થિતિ?