ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને શરણાગતિ સ્વીકારવાની કડક સલાહ આપી છે. મેઘાલય હનીમૂન મર્ડર કેસમાં સોનમને આપવામાં આવેલા જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી પર મંગળવારે સર્વોચ્ચ અદાલતમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને ન્યાયાધીશ પી.બી. વરાલેની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન સોનમના વકીલને આડે હાથ લેતા પ્રશ્ન કર્યો હતો કે ધરપકડના કારણો અગાઉ જાહેર ન કરવાનો મુદ્દો અગાઉની કાર્યવાહીમાં કેમ ઉઠાવવામાં આવ્યો નહોતો.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સરેન્ડની આપી સલાહ
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "કાં તો અમે કેસની યોગ્યતાના આધારે નિર્ણય લઈશું અથવા તો તમારે આત્મસમર્પણ કરવું પડશે." ખંડપીઠે ધરપકડ મેમોમાં કલમ 103 ને બદલે કલમ 403ના ઉપયોગને માત્ર એક ટાઇપોગ્રાફિકલ ભૂલ ગણાવી હતી અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન આદેશ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
જામીન અંગેનો આખરી નિર્ણય લેવાશે
આ કેસમાં સરકાર તરફથી પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી સોનમને તેની ધરપકડના સાચા કારણોની સંપૂર્ણ જાણકારી હતી. તેમણે ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે સોનમે તેના પ્રેમી અને અન્ય ભાડે રાખેલા હત્યારાઓ સાથે મળીને ખૂબ જ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ પોતાના પતિ રાજા રઘુવંશીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ કેસની સંવેદનશીલતા અને કાનૂની પાસાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હવે આગામી સુનાવણી ગુરુવારે નક્કી કરી છે, જેમાં જામીન અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.
હાઇ પ્રોફાઇલ મામલાએ દેશભરમાં ચર્ચા જગાવી
આ હાઇ-પ્રોફાઇલ મામલાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. સોનમના વકીલો અને સરકારી પક્ષ વચ્ચેની કાનૂની દલીલો બાદ હવે આગામી ગુરુવારે થનારી સુનાવણી પર સૌની મીઠાં નજર ટકી રહી છે, કારણ કે કોર્ટના આદેશથી આરોપીના ભવિષ્ય અને ન્યાયિક પ્રક્રિયાની દિશા નક્કી થશે.
આ પણ વાંચોઃ Himachal Cloud Burst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઇ, કાંગડામાં 6 ઘરો તણાયા, 1નું મોત