રાજસ્થાનના કોટા જિલ્લામાં કોટા-ઉદયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શનિવારે મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખાટુ શ્યામજીના દર્શન કરીને મહારાષ્ટ્ર પરત ફરી રહેલા એક પરિવારની પૂરપાટ ઝડપે દોડતી ક્રુઝર કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ટ્રક ડ્રાઈવર સહિત અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ડ્રાઈવરને ઝોકું આવી જતાં સર્જાઈ દુર્ઘટના

આ ગોઝારો અકસ્માત નાટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શંભુપુરા ગામ નજીક બન્યો હતો. અકસ્માતની જાણ થતાં જ શહેર પોલીસ અધિક્ષક (SP) તેજસ્વિની ગૌતમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરાવી તમામ ઘાયલોને સારવાર અર્થે કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ક્રુઝરમાં સવાર તમામ લોકો મહારાષ્ટ્રના રહેવાસી

SP તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે, ક્રુઝરમાં સવાર તમામ લોકો મહારાષ્ટ્રના રહેવાસી હતા અને ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે અકસ્માત સમયે ક્રુઝર ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી ગયું હતું, જેના કારણે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. પીડિત પરિવારના સભ્ય પ્રદીપે જણાવ્યું હતું કે, કુલ 36 સંબંધીઓ ત્રણ અલગ-અલગ વાહનોમાં આગળ-પાછળ મહારાષ્ટ્ર પરત ફરી રહ્યા હતા, ત્યારે આગળ ચાલી રહેલી ક્રુઝર કાર અકસ્માતનો ભોગ બની હતી, જેમાં એક જ પરિવારના 16 સભ્યો સવાર હતા.

'હું 20 ફૂટ દૂર ફેંકાઈ ગયો, 10 મિનિટ પછી ભાનમાં આવી પોલીસને ફોન કર્યો' - ટ્રક ડ્રાઈવર

આ અકસ્માતમાં ખંડવાના રહેવાસી ટ્રક ડ્રાઈવર હારૂન (43) પણ ઘાયલ થયા છે. તેમણે ઘટના અંગે જણાવતા કહ્યું કે, ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમણે ટ્રકને રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી અને તેનું નિરીક્ષણ કરવા માટે થોડે દૂર ઉભા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલી ક્રુઝર ગાડીએ પહેલા તેમને અડફેટે લીધા હતા અને ત્યારબાદ સીધી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ આશરે 20 ફૂટ દૂર ફેંકાઈ ગયા હતા. લગભગ 10 મિનિટ બાદ ભાનમાં આવ્યા પછી તેમણે જાતે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. તેમને માથા અને ઘૂંટણમાં ઈજાઓ પહોંચી છે.

મૃતકો અને ઘાયલોની યાદી

મૃતકો (9): આ ભીષણ અકસ્માતમાં ઉષા બાઈ, સુશીલા (55), કૈલાશ (45), સાવી, સજ્જન, અનિતા, બાબુલાલ (60), જાહ્નવી (13) અને માધવીના દુઃખદ મોત નિપજ્યા છે.ઘાયલો (8): અકસ્માતમાં ઘાયલ થયેલા જગદીશ (10), મયુરી પવાર (20), મનીષા પવાર (45), શરદ પવાર (46), ગણેશ પવાર (30), શ્રીજીત (3) અને ટ્રક ડ્રાઈવર હારૂન (43) સહિત આઠ લોકોની હાલ કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: Junagadh: કેશોદ-બાલાગામ રોડ પર કારમાં અચાનક આગ લાગી; 3 લોકો જીવતા ભૂંજાયા હોવાની આશંકા