રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત વિશ્વ વિખ્યાત શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ભક્તોની શ્રદ્ધાએ નવો ઇતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 ના માત્ર પ્રથમ ચાર મહિનામાં જ આ મંદિરને ₹153 કરોડ 59 લાખ 77 હજાર 209 નું જંગી દાન પ્રાપ્ત થયું છે. આ નાણાકીય સહાય ઉપરાંત ભક્તો દ્વારા ભગવાનને ભક્તિભાવથી 4 કિલો 273 ગ્રામથી વધુ સોનું અને 386 કિલોથી વધુ ચાંદી પણ અર્પણ કરવામાં આવી છે. મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જુલાઈ દરમિયાન નોંધાયેલા આ આંકડા દેશભરના શ્રદ્ધાળુઓનો ભગવાન પ્રત્યેનો અગાધ વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે.
અષાઢ મહિનાનો ભંડારો અત્યંત ઐતિહાસિક
આ ચાર મહિના દરમિયાન ખાસ કરીને અષાઢ મહિનાનો ભંડારો અત્યંત ઐતિહાસિક સાબિત થયો છે. માત્ર એક જ મહિનામાં દાનપેટી અને ઓનલાઈન માધ્યમથી સંયુક્ત રીતે ₹38,23,13,862 નું માતબર દાન મળ્યું છે, જે અષાઢ મહિનાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આ એક જ મહિનામાં શ્રદ્ધાળુઓએ 1 કિલોથી વધુ સોનું અને 103 કિલોથી વધુ ચાંદી પણ ભેટ ધરી હતી. દર મહિને તૂટતા દાનના આ રેકોર્ડ્સ પાછળ દેશ-વિદેશના ભક્તોની માનતાઓ અને અડગ આસ્થા જોડાયેલી છે.
