રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીનાં પરિણામો બાદ ટોંક જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંચાયત ચૂંટણીમાં ઉમેદવારની હાર થતાં જ ગામોમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં હારનો બદલો લેવા માટે સ્ટ્રીટ લાઇટો હટાવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, ટોંક જિલ્લાના પીપલૂ પંચાયત સમિતિના વોર્ડ નંબર-4 હેઠળ આવતી રાનોલી ગ્રામ પંચાયતનાં કુંભારો કી ઢાણી, હનીફગંજ અને બેગમપુરા સહિતનાં ગામોમાં આશરે 50 LED સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી.
થાંભલા પરથી લાઇટો હટાવવાની કામગીરી અટકાવવામાં આવી
સ્થાનિક રહેવાસીઓના દાવા મુજબ, નિવાઈના ધારાસભ્ય રામસહાય વર્માના પર્સનલ આસિસ્ટન્ટ આલોક શર્માના કહેવાથી આ લાઇટો લગાવવામાં આવી હતી.આલોક શર્માનાં પત્ની પ્રિયંકા શર્માએ આ વખતે પંચાયત સમિતિ સભ્યની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ ગામોમાંથી સ્ટ્રીટ લાઇટો હટાવવાની કામગીરી શરૂ થતાં વિવાદ સર્જાયો હતો. જયપુર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડની એક ટીમ ગામોમાં પહોંચી હતી. વીજ કંપનીના અધિકારીઓએ સ્ટ્રીટ લાઇટોના કનેક્શન ગેરકાયદે હોવાનું જણાવી તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ટીમે આશરે 10 થાંભલા પરથી લાઇટો હટાવી દીધી હતી. ગ્રામજનોના વિરોધ બાદ ગામના સરપંચોએ વીજળીનું બિલ ભરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ બાકીના 40 જેટલા થાંભલા પરથી લાઇટો હટાવવાની કામગીરી અટકાવવામાં આવી હતી.
વીજ કંપનીએ તપાસ શરૂ કરી, ધારાસભ્યે આક્ષેપો ફગાવ્યા
આ સમગ્ર મામલે વીજ કંપનીએ તપાસ શરૂ કરી છે અને તપાસની જવાબદારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સોંપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટ્રીટ લાઇટો ગેરકાયદે રીતે લગાવવામાં આવી હતી. એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી.આર. મીણાએ જણાવ્યું હતું કે, વીજળી વ્યવસ્થામાં સુધારો કરવા માટે ટીમ ગામોમાં ગઈ હતી. આ દરમિયાન ગેરકાયદે રીતે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો મળી આવતાં તેને હટાવવામાં આવી હતી. બીજી તરફ, ધારાસભ્ય રામસહાય વર્માએ સ્ટ્રીટ લાઇટો હટાવવા પાછળ પ્રિયંકા શર્માની ચૂંટણીમાં થયેલી હાર જવાબદાર હોવાના આક્ષેપોને ફગાવી દીધા છે.
રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં સત્તાધારી ભાજપને પંચાયતી રાજની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારા દેખાવ બાદ ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં એ પ્રદર્શન જાળવી શક્યો નથી. રાજ્યના 37 જિલ્લામાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના સભ્યોની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસે ભાજપને પાછળ રાખી દીધી હતી. આ ચૂંટણીમાં શહેરી વિકાસ અને આવાસ મંત્રી ઝાબર સિંહ ખર્રાના પરિવારના સભ્યોને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભાજપના પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડના પુત્ર અને પુત્રવધૂ ચૂંટણી જીતી ગયાં હતાં. પરિણામોના વિશ્લેષણ પ્રમાણે, રાજ્ય સરકારના 17 મંત્રીઓ અને કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ પણ પોતાના વિસ્તારોમાં રાજકીય પ્રભાવ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના દૂદુ વિધાનસભા ક્ષેત્ર, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરના લોહાવટ વિસ્તાર અને કૃષિ મંત્રી કિરોરી લાલ મીણાના સવાઈ માધોપુર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Jamnagar News: અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને 8 લાખની લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા