કેરળના કોચી ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોમાં સ્થિતિસ્થાપકતા, કરુણા, નવીનતા અને રાષ્ટ્રીય ઓળખની ભાવના વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે, જેથી 'વિકસિત ભારત @2047' ના સ્વપ્નને સાકાર કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સદીઓ જૂના મૂલ્યોમાંથી પ્રેરણા લઈને સુરક્ષા, સમાવેશી સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં દેશે વૈશ્વિક પડકારોનો મક્કમતાથી સામનો કરીને વિકાસની નવી કેડી કંડારી છે.
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરિક સુરક્ષા
દેશની સુરક્ષા અને સ્વદેશી ઉત્પાદનો વિશે વાત કરતાં રક્ષામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2014માં જે સંરક્ષણ ઉત્પાદન માત્ર 40,000 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને લગભગ 1.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, રક્ષામંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે, દેશની રક્ષણ નિકાસ 600 કરોડ રૂપિયાથી વધીને આશરે 40,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે, અને ભારતીય ઉપકરણો આજે આશરે 100 દેશો સુધી પહોંચી રહ્યા છે. દેશની સાર્વભૌમત્વ સામે જોખમ ઊભું કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે નક્સલવાદનો પણ ખાત્મો બોલાવવામાં આવ્યો છે.
