અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં અનિયમિતતાના આરોપો બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને બેન્કમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વધારવા માટે કુલ 8 નવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.


કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ 

નવા નિયમો મુજબ હવે દાનપેટીથી લઈને ગણતરી રૂમ સુધી પ્રવેશ કરનાર કર્મચારીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. કર્મચારીઓને ખિસ્સા વગરના કપડાં પહેરીને જ દાન ગણતરી પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ, પર્સ અથવા બેગ સાથે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

CCTV ફૂટેજ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે

ટ્રસ્ટે CCTV દેખરેખને વધુ મજબૂત બનાવી છે. હવે CCTV ફૂટેજ 45 દિવસની બદલે 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. કેશ બોક્સ ડબલ લોક સિસ્ટમ હેઠળ બેન્કમાં મોકલવામાં આવશે અને તેની ચાવીઓ બે અલગ અલગ વ્યક્તિઓ પાસે રહેશે. દાનપેટી ખોલવાથી લઈને રોકડ ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા હવે સતત કેમેરાની નજર હેઠળ રહેશે.

5થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે

આ પ્રક્રિયામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારીઓ પણ સામેલ હોય છે. મંદિરમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 સુધી રોકડની ગણતરી થાય છે અને સરેરાશ 15થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ દાન વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવો અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો છે.

આ પણ વાંચો : Madhya Pradesh : ઉજ્જૈનના વડનગરમાં ક્રેન પર કાર લટકાવી કર્યો બ્લાસ્ટ, 4 લોકો સામે થઈ FIR


  • Follow us on: