મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના વડનગરમાં મોહર્રમના ઝૂલુસ દરમિયાન બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ઘટનામાં ઝૂલુસ દરમિયાન એક વાહનમાં વિસ્ફોટ દર્શાવવામાં આવ્યો હતો, જેનાથી ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.


23 જૂને નીકળ્યું હતુ ઝૂલુસ

મળતી માહિતી મુજબ 23 જૂનની રાત્રે અડાન મહોલ્લામાંથી નીકળેલા ઝૂલુસ દરમિયાન એક ટેમ્પોને ક્રેનની મદદથી અંદાજે 40 ફૂટ ઊંચે લટકાવવામાં આવી હતી. તે વાહન પર બે યુવકો લાલ ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ વાહનમાં 'વિસ્ફોટ' જેવી ઘટના દર્શાવવામાં આવી, જેને લઈને હાજર લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી 

આ વાહન પર 'લે ફીર આ ગયા...' લખેલું હતું અને ઝૂલુસ દરમિયાન અલગ-અલગ પ્રકારના વિસ્ફોટના દ્રશ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર “પરવેઝ એડિટ્સ-2.0” નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. 

પોલીસ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે

ઉજ્જૈનના એડિશનલ એસપીએ જણાવ્યું કે આ મામલે આયોજક શોએબ ખાન, વાહન પર ઝંડા લહેરાવનાર તાલીમ ખાન અને જાહિદ ખાન તેમજ ક્રેન માલિક ગોપાલ માલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તમામ વીડિયો પણ તપાસના ભાગરૂપે ચકાસી રહી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ અને ચર્ચાનો માહોલ છે.

આ પણ વાંચો : Jammu Kashmir : ટેકનિકલ ખામી દૂર થયા બાદ ગુલમર્ગ ગોંડોલા સેવા 1 મહિના બાદ ફરી શરૂ, પર્યટકોમાં ભારે ઉત્સાહ


  • Follow us on: