ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આશિયાના વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. સેક્ટર-એલમાં રહેતા અક્ષત પ્રતાપ સિંહ ઉર્ફે રાજાએ તેના જ પિતા માનવેન્દ્ર સિંહની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી, લાશના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.
મૃતક માનવેન્દ્ર સિંહ વ્યવસાયે પેથોલોજી ઓપરેટર
મૃતક માનવેન્દ્ર સિંહ વ્યવસાયે પેથોલોજી ઓપરેટર હતા અને દારૂના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. પત્નીના અવસાન બાદ તેઓ પુત્ર અક્ષત અને પુત્રી સાથે રહેતા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, અક્ષત સ્વભાવે ખૂબ જ હઠીલો અને ચાલાક હતો. તે અગાઉ પણ ઘરેથી ભાગી ગયો હતો અને છ પાનાનો પત્ર લખીને પિતાને પેથોલોજી લેબ બંધ કરી રેસ્ટોરન્ટ ખોલવા માટે દબાણ કરતો હતો. પિતા-પુત્ર વચ્ચે આ બાબતે અવારનવાર વિવાદ થતો હતો.
હત્યાની ફિલ્મી પદ્ધતિ
20 ફેબ્રુઆરીથી માનવેન્દ્ર સિંહ ગુમ હતા. ગત 23 ફેબ્રુઆરીએ આરોપી પુત્રએ જ પોલીસ સ્ટેશન જઈ પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેથી કોઈને શંકા ન જાય. પરંતુ જ્યારે પોલીસ તપાસ માટે ઘરે પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું. અક્ષતે ફિલ્મી શૈલીમાં પિતાની હત્યા કરી શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા. લાશની દુર્ગંધ બહાર ન જાય તે માટે તેણે આખા ઘરમાં સતત રૂમ ફ્રેશનરનો છંટકાવ કર્યો હતો. આટલું જ નહીં, તેણે પોતાની બહેનને પણ ઘરમાં બંધક બનાવી રાખી હતી, જે હાલમાં એટલા આઘાતમાં છે કે કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.
રામલીલાનો 'રાવણ' સાચો રાવણ નીકળ્યો
પડોશીઓએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે અક્ષત છેલ્લા ઘણા સમયથી કોલોનીમાં યોજાતી રામલીલામાં 'રાવણ'ની ભૂમિકા ભજવતો હતો. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે સ્ટેજ પર રાવણ બનતો આ યુવક વાસ્તવિક જીવનમાં પણ આટલો ક્રૂર સાબિત થશે. પડોશીઓના મતે માનવેન્દ્ર સિંહ ખૂબ જ મળતાવડા સ્વભાવના હતા અને બાળકોની દરેક ઈચ્છા પૂરી કરતા હતા, પરંતુ અક્ષત વારંવાર પિતાની લાયસન્સવાળી બંદૂક બતાવી તેમને ડરાવતો હતો. પોલીસે હાલમાં આરોપી અક્ષતની અટકાયત કરી છે અને હત્યા પાછળના અન્ય કારણોની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વધતી હિંસા અને કૌટુંબિક વિખવાદના ભયાનક ચહેરાને ઉજાગર કર્યો છે.