25 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ઇઝરાયલ મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઇઝરાયલની સંસદ, નેસેટ (Knesset) ને સંબોધિત કરવાના છે. જોકે, આ ઐતિહાસિક ક્ષણ પહેલા ઇઝરાયલના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો થયો છે. ઇઝરાયલના વિરોધ પક્ષોએ પીએમ મોદીના આ વિશેષ સત્રનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે, જેની પાછળનું કારણ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ છે.


શું છે વિવાદનું મૂળ?

ઇઝરાયલમાં છેલ્લા કેટલાક સમયથી ન્યાયિક સુધારા (Judicial Reforms) અંગે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે તીવ્ર મતભેદો છે. યિત્ઝાક અમિત જાન્યુઆરી ૨૦૨૫ માં ઇઝરાયલના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા, પરંતુ નેતન્યાહૂ સરકાર તેમને માન્યતા આપી રહી નથી. પ્રોટોકોલ મુજબ, વિદેશી નેતાના સંબોધન વખતે મુખ્ય ન્યાયાધીશની હાજરી અનિવાર્ય હોય છે, પરંતુ સરકારે ન્યાયાધીશ અમિતને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું નથી. આ બાબતે વિપક્ષી નેતા યાયર લેપિડ અને તેમની પાર્ટી 'યેશ અતિદ' એ ચેતવણી આપી છે કે જો મુખ્ય ન્યાયાધીશને બોલાવવામાં નહીં આવે, તો તેઓ સત્રમાં ભાગ લેશે નહીં.

સ્પીકર અમીર ઓહાનાનો વળતો પ્રહાર

નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ વિપક્ષની આ ધમકીનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે ખાતરી આપી છે કે પીએમ મોદી અડધા ખાલી ગૃહને સંબોધિત કરશે નહીં. ઓહાનાએ જણાવ્યું કે, "જો વિપક્ષી સાંસદો હાજર નહીં રહે, તો તેમની ખાલી બેઠકો પર ભૂતપૂર્વ સાંસદોને બેસાડવામાં આવશે, જેથી ગૃહ ભરેલું લાગે." તેમણે વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તેઓ ન્યાયાધીશના બહાને ભારત-ઇઝરાયલના મહત્વપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઓહાનાએ એમ પણ પૂછ્યું કે અગાઉ જ્યારે ટ્રમ્પ કે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આવ્યા હતા, ત્યારે વિપક્ષે ન્યાયાધીશની હાજરીની માંગ કેમ નહોતી કરી?

ભારત માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

વિપક્ષી નેતા યાયર લેપિડે જણાવ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે ભારત જેવો વિશાળ અને મિત્ર દેશ ઇઝરાયલના આંતરિક સંઘર્ષના કારણે શરમ અનુભવે. તેમણે નેતન્યાહૂ સરકારને અપીલ કરી છે કે તેઓ લોકશાહીના પ્રોટોકોલનું પાલન કરે જેથી પીએમ મોદીનું સન્માન જળવાય રહે.

આ પણ વાંચોઃ Viral Video: બેદરકારીની હદ,સાડી લેવા માટે સાતમા માળેથી પુત્રને હવામાં લટકાવ્યો, વીડિયો જોઈ લોકો સ્તબ્ધ



  • Follow us on: