સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર અને જોખમી વીડિયો જોવા મળતા હોય છે, પરંતુ હાલમાં વાયરલ થયેલો આ વીડિયો કોઈપણ વ્યક્તિના શ્વાસ અધ્ધર કરી દે તેવો છે. આ વીડિયોમાં એક મહિલાએ માત્ર એક સાડી મેળવવા માટે પોતાના માસુમ પુત્રના જીવનને જોખમમાં મૂક્યું છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે ઇન્ટરનેટ પર લોકો આ મહિલાની આકરી ટીકા કરી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઊંચી ઈમારતની બાલ્કનીમાંથી એક મહિલા તેના બાળકને સાડીના સહારે નીચે લટકાવી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે કદાચ બાળક ભૂલથી નીચે પડી ગયું હશે અને માતા તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હકીકત તેનાથી બિલકુલ વિપરીત અને ચોંકાવનારી છે.

સાડી ઉડીને નીચેના માળની બંધ બાલ્કનીમાં પડી ગઈ

વાસ્તવમાં, આ મહિલાની સાડી ઉડીને નીચેના માળની બંધ બાલ્કનીમાં પડી ગઈ હતી. તે સાડી પરત લેવા માટે મહિલાએ કોઈ અન્ય રસ્તો શોધવાને બદલે પોતાના દીકરાને જ 'દોરડું' બનાવી દીધો. તેણે પોતાના પુત્રને સાડીથી બાંધ્યો અને તેને સાતમા માળેથી નીચે લટકાવ્યો જેથી તે નીચેના માળે જઈને સાડી લઈ આવે. બાળક નીચે જઈને સાડી લઈને પાછો આવે છે અને મહિલા તેને ઉપર ખેંચી લે છે.

https://www.instagram.com/reel/DVIhU8_gm8Q/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

લોકોનો રોષ અને વાસ્તવિકતા

આ વીડિયો વર્ષ 2022નો છે. જે ફરીદાબાદની એક સોસાયટીમાં શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તે ફરીથી ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર (X) પર આ વીડિયોને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે. નેટીઝન્સ આને "ગાંડપણની ચરમસીમા" ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સાડી સહેજ પણ ફાટી હોત અથવા હાથમાંથી છૂટી ગઈ હોત, તો તેનું પરિણામ અત્યંત ભયાનક હોત. શું એક સાડીની કિંમત એક બાળકના જીવ કરતા પણ વધારે હોઈ શકે?

તકેદારી રાખવી જરૂરી

આ ઘટના આપણને શીખવે છે કે ઉતાવળમાં અથવા નજીવી વસ્તુના લોભમાં આપણે ઘણીવાર વિવેકબુદ્ધિ ગુમાવી બેસીએ છીએ. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આ પ્રકારના જોખમો લેવા એ માત્ર બેદરકારી નથી, પરંતુ એક મોટો ગુનો પણ છે. વાયરલ થવાના ચક્કરમાં કે આળસને કારણે લેવાયેલું આવું પગલું હસતા-રમતા પરિવારને કાયમી શોકમાં ડૂબાડી શકે છે.

આ પણ વાંચોઃ બરફની ચાદર વચ્ચે ફસાયેલી જિંદગીઓ માટે ભારતીય સેના બની દેવદૂત, જુઓ Photos