ઘૂંટણ બદલાવવાની સર્જરી કરાવનારા દર્દીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે ઓર્થોપેડિક ઘૂંટણના ઇમ્પ્લાન્ટની કિંમત પરનું નિયંત્રણ વધુ બે મહિના લંબાવ્યું છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ના નિર્ણયથી હાલની મહત્તમ કિંમતો યથાવત્ રહેશે. તેમાં ટાઇટેનિયમ કોટેડ ઇમ્પ્લાન્ટના એક ભાગની મહત્તમ કિંમત ₹51,562.94 નક્કી છે.
15 જાન્યુઆરી 2027 સુધી જૂની કિંમતો
NPPAએ જાહેર કરેલા આદેશમાં ઘૂંટણ બદલાવવાની સર્જરીમાં વપરાતા ઇમ્પ્લાન્ટની મહત્તમ કિંમતની મર્યાદા વધુ બે મહિના લંબાવી છે. અગાઉ આ મર્યાદા 15 નવેમ્બર 2026 સુધી હતી. હવે તે 15 જાન્યુઆરી 2027 સુધી લાગુ રહેશે. આનો અર્થ એ છે કે હાલ નક્કી કરેલી મહત્તમ કિંમતોમાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. જોકે, NPPA ઉત્પાદકો અને ઉદ્યોગ સંગઠનો તરફથી મળેલી રજૂઆતોની સમીક્ષા કરી રહ્યું છે. આગામી સમયમાં નવા આદેશથી કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.
કયા ઇમ્પ્લાન્ટની કેટલી કિંમત?
ઘૂંટણ બદલાવવાની પ્રાથમિક સર્જરીમાં વપરાતા ઇમ્પ્લાન્ટના અલગ-અલગ ભાગ અને તેમાં વપરાતી સામગ્રી પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે.

ફરી સર્જરી કરાવવી પડે તો કિંમત કેટલી?
જે દર્દીઓનું અગાઉ ઘૂંટણ બદલાયું હોય અને ફરી સર્જરી એટલે કે રિવિઝન ની રિપ્લેસમેન્ટની જરૂર પડે, તેમના માટે પણ અલગ મહત્તમ કિંમત નક્કી છે.

આ કિંમતો ઇમ્પ્લાન્ટના અલગ-અલગ ભાગની મહત્તમ મર્યાદા છે. તેને આખી સર્જરીનો ખર્ચ કે સંપૂર્ણ ઇમ્પ્લાન્ટની એક જ કિંમત સમજવી નહીં. હોસ્પિટલનો ખર્ચ, સર્જનનું ફી અને અન્ય સારવાર ખર્ચ અલગ હોઈ શકે છે.
2017માં પહેલીવાર લાગુ થઈ હતી મર્યાદા
કેન્દ્ર સરકારે 16 ઑગસ્ટ 2017ના રોજ પહેલીવાર ઘૂંટણના ઇમ્પ્લાન્ટની મહત્તમ કિંમત નક્કી કરી હતી. તે સમયે NPPAને આ ક્ષેત્રમાં વેપારીઓના નફાનું પ્રમાણ અયોગ્ય રીતે ઊંચું જણાયું હતું. તેના કારણે દર્દીઓ માટે ઘૂંટણ બદલાવવાની સર્જરી મોંઘી બનતી હતી. ત્યારથી સરકારે સમયાંતરે કિંમત મર્યાદા લંબાવી અને મોંઘવારીના આધારે તેમાં સુધારા પણ કર્યા છે. આ વખતે ઉત્પાદકોની રજૂઆતોની સમીક્ષા પૂર્ણ ન થઈ હોવાથી જૂની કિંમતોને બે મહિના માટે ચાલુ રાખવામાં આવી છે.
દર્દીઓ માટે શું ફાયદો?
ઘૂંટણ બદલાવવાની સર્જરીમાં ઇમ્પ્લાન્ટનો ખર્ચ મહત્ત્વનો હોય છે. તેની કિંમત પર નિયંત્રણ રહેવાથી કંપનીઓ મનસ્વી રીતે ઇમ્પ્લાન્ટની કિંમત વધારી શકતી નથી. હાલના નિર્ણયથી દર્દીઓને ઓછામાં ઓછા 15 જાન્યુઆરી 2027 સુધી વર્તમાન મહત્તમ કિંમતનો લાભ મળતો રહેશે.
આ પણ વાંચો: Red Bullને 7 દિવસનું અલ્ટિમેટમ, 500 ML પીવાથી 55 ગ્રામ ખાંડ શરીરમાં જાય છે !