હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમયથી ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્રણ ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર - 'દેશ વૈભવ', 'દેશ વિભોર' અને 'સનમાર હેરાલ્ડ' - ૮.૬ લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલ લઈને સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ કામગીરીમાં ૯૪ ભારતીય ક્રૂ સભ્યોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે ભારતની દરિયાઈ સુરક્ષા વ્યૂહરચનાની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.


સર્બાનંદ સોનોવાલનું નિવેદન

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પોતાના દરિયાઈ હિતો અને ઉર્જા સુરક્ષા માટે સતત કાર્યરત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સંબંધિત એજન્સીઓ સાથેના સક્રિય સંકલનથી જ આ વ્યૂહાત્મક કાર્ગોને સુરક્ષિત રીતે લાવવાનું શક્ય બન્યું છે. ભારતીય નાવિકોની સુરક્ષા અને દેશના ઉર્જા પુરવઠાની સાતત્યતા જાળવી રાખવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

બંદરો પર આગમન અને સમયરેખા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જહાજો ૨૪ જૂનથી ૧ જુલાઈ વચ્ચે ભારતીય બંદરો પર પહોંચવાની અપેક્ષા છે. 'દેશ વૈભવ' ૨૪ જૂને વાડીનાર બંદરે અને 'દેશ વિભોર' તે જ દિવસે સિક્કા બંદરે લંગારશે. ત્યારબાદ, 'સનમાર હેરાલ્ડ' 1 જુલાઈના રોજ પારાદીપ બંદરે પહોંચશે. આ ક્રૂડ ઓઇલનો મોટો જથ્થો ભારતના ઉર્જા ક્ષેત્રમાં માંગ અને પુરવઠાના સંતુલન માટે મહત્વપૂર્ણ છે.

ભૂરાજકીય સ્થિતિ અને વૈશ્વિક અસર

આ સફળતા પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં બદલાયેલી રાજદ્વારી સ્થિતિ છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર બાદ ક્ષેત્રમાં તણાવ ઘટ્યો છે, જેના પગલે દરિયાઈ ટ્રાફિક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા. અમેરિકાએ ઈરાન સાથે થયેલી સમજૂતી અંતર્ગત કેટલાક પ્રતિબંધો હળવા કર્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કોરિડોર ફરીથી ખોલવામાં મોટી ભૂમિકા ભજવી છે.

ભારત માટે અતિ મહત્વનું છે હોર્મુઝ માંથી ટેન્કર પસાર થવું

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભર છે, ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક માર્ગોની સુરક્ષા ભારત માટે અતિ મહત્વની છે. આ ટેન્કરોનું સુરક્ષિત આગમન ભારતની મજબૂત રાજદ્વારી પકડ અને દરિયાઈ ક્ષમતાનો પુરાવો આપે છે. આ કામગીરી માત્ર ઉર્જા પુરવઠા માટે જ નહીં, પરંતુ ગલ્ફ ક્ષેત્રમાં ભારતની વધતી જતી ભૂમિકા અને તેની દરિયાઈ સુરક્ષાની સજ્જતાને પણ પ્રતિબિંબિત કરે છે. આમ, ભારત માટે આ એક અત્યંત સકારાત્મક અને રાહતરૂપ ઘટનાક્રમ છે.

આ પણ વાંચોઃ  International Yoga Day: દરરોજ માત્ર 10 મિનિટ પોતાના માટે અને સ્વાસ્થ્યમાં આવશે જબરદસ્ત પરિવર્તન

  • Follow us on: