એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણની કલમ 21 હેઠળ મળતો પ્રાઈવસીનો અધિકાર  એટલો વ્યાપક નથી કે તેનો ઉપયોગ કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીથી અફેરના પુરાવા છુપાવવા માટે કરી શકે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે છૂટાછેડાના કેસોમાં જો વ્યભિચાર (અનૈતિક સંબંધો) સાબિત કરવા માટે મોબાઈલ કોલ રેકોર્ડ કે હોટેલ સ્ટેના દસ્તાવેજો જરૂરી હોય, તો માત્ર પ્રાઈવસીનો હવાલો આપીને તેને કોર્ટમાં રજૂ થતા રોકી શકાય નહીં.

દિલ્હી હાઇકોર્ટે ફગાવી રાઇટ ટુ પ્રાઇવસીની અપીલ 

જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ મામલે સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને પતિની અપીલ ફગાવી દીધી હતી. પતિએ એવી દલીલ કરી હતી કે તેના હોટેલ બુકિંગ અને કોલ રેકોર્ડની વિગતો કોર્ટમાં મંગાવવી એ તેના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

હાઈકોર્ટના નિર્ણય પર 'સુપ્રીમ' મહોર

દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રાઈવસીનો અધિકાર સંપૂર્ણ (એબ્સોલ્યુટ) નથી, પરંતુ ન્યાય સુનિશ્ચિત કરવા અને જાહેર હિત માટે તેના પર યોગ્ય નિયંત્રણો લગાવી શકાય છે. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ બેવફાઈ એ છૂટાછેડા માટેનો કાયદેસરનો આધાર છે. તેથી, કોર્ટ પ્રાઈવસીના નામે એવા પરિણીત પુરુષને મદદ ન કરી શકે જેના પર લગ્નેતર સંબંધોનો આરોપ હોય. ફેમિલી કોર્ટે પતિના હોટેલ રિઝર્વેશન અને કોલ ડિટેલ રેકોર્ડ (CDR) મંગાવવાનો જે આદેશ આપ્યો હતો, તેને હાઈકોર્ટે યોગ્ય ગણાવ્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં દંપતીના લગ્ન 1998માં થયા હતા અને 2000માં તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. બાદમાં પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધો છે અને તે તેની સાથે જયપુરની એક હોટેલમાં રોકાયો હતો. આ આક્ષેપોના આધારે પત્નીએ છૂટાછેડાની અરજી દાખલ કરી અને પુરાવા તરીકે પતિના હોટેલ બુકિંગ અને મોબાઈલ કોલ ડિટેલ્સ કોર્ટ દ્વારા મંગાવવાની માંગ કરી હતી. ફેમિલી કોર્ટે આ માંગણી સ્વીકારી હતી, જેને હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ કાયદેસર ગણાવી છે.

આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ