વિશ્વ હવામાન સંગઠન (WMO) એ દુનિયાભર માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલી ‘અલ-નીનો’ (El Niño) ની સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ શક્તિશાળી બનવાની આશંકા છે. આ ફેરફારને કારણે દુનિયાના અનેક દેશોમાં હીટવેવ, ભીષણ દુષ્કાળ, ભારે વરસાદ અને અન્ય મોસમી ઘટનાઓની તીવ્રતા વધવાની પૂરેપૂરી સંભાવના છે.

WMO ની ગ્લોબલ સીઝનલ ક્લાયમેટ અપડેટ રિપોર્ટ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અલ-નીનો વધુ મજબૂત બની શકે છે, જેની સીધી અસર વૈશ્વિક મોસમી ચક્ર પર પડશે. WMO ની મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું કે, અલ-નીનોની સ્થિતિ પહેલાથી જ સર્જાઈ ચૂકી છે અને તે ખૂબ જ ઝડપથી મજબૂત થઈ રહી છે. આના કારણે જમીન અને સમુદ્ર બંનેના તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળી શકે છે. એલ-નીનો એ 'ઈન્સો' (ENSO) ચક્રનો એક ભાગ છે, જેમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધી જાય છે, જે વિશ્વભરના હવામાનને અસર કરે છે.

ભારતીય ચોમાસા પર સીધી અસર

અલ-નીનોનો સૌથી મોટો ફટકો ભારતના ચોમાસા પર પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આ સ્થિતિની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અલ-નીનો મજબૂત થવાથી વરસાદની ગતિવિધિઓ પ્રભાવિત થઈ શકે છે. જૂન મહિનામાં ભારતમાં સામાન્ય કરતા આશરે 40 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં મધ્ય ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે જ્યાં વરસાદમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે જુલાઈ મહિનામાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જે ખેતી અને જળ સંસાધનો માટે ચિંતાનો વિષય છે.

આગામી સમયમાં હવામાનની આ બદલાતી સ્થિતિ ગ્લોબલ વોર્મિંગની ગંભીરતાને વધુ વધારે છે. વૈજ્ઞાનિકોના મતે, આ માત્ર કુદરતી ફેરફાર નથી, પરંતુ ક્લાયમેટ ચેન્જનું એક ગંભીર સ્વરૂપ છે, જેનાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પ્રયાસોની જરૂર છે.

આ પણ વાંચો:Pakistanમાં 30થી વધુ સૈનિકો માર્યા ગયા, BLAએ હુમલાની જવાબદારી સ્વીકારી