પાકિસ્તાનના અશાંત પ્રાંત બલોચિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન બલોચ લિબરેશન આર્મી (BLA) એ ફરી એકવાર પાકિસ્તાની સેનાને મોટો ઝટકો આપ્યો છે. બલોચિસ્તાનના ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં આવેલા પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કડક સુરક્ષાવાળા કેમ્પ પર શુક્રવારે સાંજે એક ભયાનક આત્મઘાતીહુમલો કરવામાં આવ્યો હતો. BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 30 થી વધુ જવાનો માર્યા ગયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે.
વિસ્ફોટકોથી ભરેલી ટ્રક કેમ્પમાં ઘુસાડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો શુક્રવારે સાંજે આશરે 6:32 વાગ્યે BLA ની કુખ્યાત અને વિશેષ આત્મઘાતી પાંખ 'મજીદ બ્રિગેડ' દ્વારા કરવામાં આવ્યો હતો. સંગઠનનો દાવો છે કે અત્તાઉલ્લાહ બલોચ ઉર્ફે અજમલ નામના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી એક માઝદા ટ્રકને સીધી કોસ્ટ ગાર્ડના કેમ્પમાં ઘુસાડી દીધી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આખો કેમ્પ મલબામાં ફેરવાઈ ગયો હતો. BLA ની મીડિયા વિંગ 'હક્કાલ' દ્વારા આ હુમલાનો એક 43 સેકન્ડનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટ્રક કેમ્પમાં પ્રવેશતી જોવા મળે છે.
