કોંગ્રેસ સાંસદ શશિ થરૂર કેરળની એક હોટેલમાં આશરે 15 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા. હોટેલ સ્ટાફ અને મિકેનિક્સ નિષ્ફળ ગયા બાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જવાનોએ હાઈડ્રોલિક સ્પ્રેડરની મદદથી દરવાજો તોડીને થરૂર અને અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ શશિ થરૂર શુક્રવાર સાંજે કેરળના તિરુવનંતપુરમમાં એક ખાનગી હોટેલની લિફ્ટમાં આશરે 15 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. તેઓ ત્યાં 'રોટરી ક્લબ ઓફ ત્રિવેન્દ્રમ ઈસ્ટ'ના એક સ્થાપના સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

આ ઘટનાથી હોટેલ પરિસરમાં અને તેમના સમર્થકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસીસ (અગ્નિશમન વિભાગ) ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તેમને અને તેમની સાથે ફસાયેલા અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

લિફ્ટ ટેકનિકલ ખામી

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે 7:37 વાગ્યે માહિતી મળી હતી કે સાંસદ હોટેલની લિફ્ટમાં ફસાયા છે. આ પછી તરત જ એક રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. આ અગાઉ, ટીવી ચેનલો પરના દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે હોટેલ સ્ટાફ અને ત્યાં હાજર લોકો લોખંડના સળિયાની મદદથી લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

હકીકતમાં, લિફ્ટ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલા ફ્લોર (માળ) પર પૂરેપૂરી પહોંચી શકી ન હતી, જેના કારણે તેનો ઓટોમેટિક ડોર લોક થઈ ગયો હતો. લિફ્ટના મિકેનિક પણ તેને ખોલવામાં અસમર્થ રહ્યા હતા.

હાઈડ્રોલિક સ્પ્રેડરનો ઉપયોગ કરાયો

ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફોર્સના અધિકારીઓએ આધુનિક 'હાઈડ્રોલિક સ્પ્રેડર' ટૂલનો ઉપયોગ કર્યો અને માત્ર થોડી જ મિનિટોમાં સાંજે 7:51 વાગ્યે લિફ્ટના ભારે દરવાજાને અલગ કરીને ખોલી નાખ્યા. જેવો દરવાજો ખૂલ્યો કે તરત જ શશિ થરૂર ચહેરા પર એક મોટી મુસ્કાન સાથે બહાર આવ્યા. તેમણે રાહતનો શ્વાસ લેતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમની કામગીરીની પ્રશંસા કરી અને જવાનોનો આભાર માન્યો.

થરૂરે કહ્યું, "આપ સૌનો ખુબ ખુબ આભાર. વેલ ડન! તમે લોકોએ બહુ શાનદાર કામ કર્યું છે." જ્યારે અધિકારીઓએ તેમના ખબર-અંતર પૂછ્યા, ત્યારે તેમણે હસતા મુખે કહ્યું કે લિફ્ટમાં હાજર તમામ લોકો બિલકુલ ઠીક છે.

થરૂરે અધિકારીઓની ચપળતાના વખાણ કરતા તેમને ચા પીવાનું આમંત્રણ પણ આપ્યું, જોકે અધિકારીઓએ સ્મિત સાથે અને હાથ મિલાવીને નમ્રતાપૂર્વક ના પાડી દીધી અને પોતાની ફરજ પર પરત ફર્યા. બાદમાં થરૂરે ત્વરિત કામગીરી માટે ફાયર વિભાગના કર્મચારીઓનું સન્માન પણ કર્યું હતું.

આ પણ વાંચો: Trump New Immigration Plan: અમેરિકામાં 1.5 ભારતીય ટ્રક ડ્રાઇવરોની નોકરી પર લટકતી તલવાર