સિક્કિમના નામચી જિલ્લામાં સમરદુંગ (ઝોલુંગે) ખાતે આવેલ NHPCના તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નિર્માણાધીન ટનલ અચાનક ધસી પડવાને કારણે અંદર ફસાયેલા કામદારોમાંથી અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડાપ્રધાને ઘટનાની ગંભીરતાથી લીધી નોંધ
આ ગંભીર દુર્ઘટનાની નોંધ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રી પાસેથી ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ટનલ પર સિવિલ બાંધકામનું કાર્ય કરતી પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ (PEL) એ સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રોજેક્ટ ટીમ ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે આપત્તિ રાહત દળો અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે.
હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે
બચાવ કાર્યોને વેગ આપવા માટે તમામ જરૂરી મશીનરી અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. કંપનીની એન્જિનિયરિંગ ટીમ બચાવ દળોને સુરંગના અંદરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરી રહી છે. કંપનીએ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે આ મુશ્કેલ સમયમાં તેઓ દરેક પીડિત પરિવારની પડખે મજબૂત રીતે ઊભા છે.
કામદારોના પરિવારોને સહાય માટે પ્રક્રિયા શરૂ
મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નામચી જિલ્લા વહીવટીતંત્રને રંગપો ખાતે એક વિશેષ સમર્પિત પ્રક્રિયા શરૂ કરવાના સખત આદેશો આપ્યા છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવેલા કામદારોના પરિવારોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે અને તેમને ઝડપથી સહાય મળી રહે તે માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
આ ગંભીર કટોકટી વચ્ચે, રાજ્યના મુખ્ય સચિવ રવિન્દ્ર તેલંગે પોલીસ મહાનિર્દેશક અક્ષય સચદેવાની વિશેષ ઉપસ્થિતિમાં નામચી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ બચાવ એજન્સીઓ, NHPC લિમિટેડ અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન અત્યાર સુધી ચાલી રહેલી રેસ્ક્યુ ઓપરેશનની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ CJP Protest વચ્ચે થલાપતિ વિજયની TVK પાર્ટીએ કરી NEET પરીક્ષા કાયમ માટે નાબૂદ કરવાની માંગ