ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત 1 જાન્યુઆરી 2027ની સ્થિતિને લાયકાત તારીખ તરીકે ધ્યાને રાખીને નવી યાદી તૈયાર કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ નવા મતદારોની નોંધણી કરવામાં આવશે.

ડ્રાફ્ટ મતદાર યાદી 12 નવેમ્બરે પ્રસિદ્ધ 

પંચના કાર્યક્રમ મુજબ મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી 2 નવેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે. સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદી 12 નવેમ્બરે પ્રસિદ્ધ થયા બાદ 11 ડિસેમ્બર 2026 સુધી દાવા અને વાંધાઓ સ્વીકારાશે. આ વાંધાઓનો નિકાલ 28 ડિસેમ્બર સુધીમાં કરીને 4 જાન્યુઆરી 2027ના રોજ અંતિમ યાદી જાહેર કરાશે. પ્રથમ વખત લાયક બનતા યુવાનો ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027ની તારીખો માટે પણ અગાઉથી અરજીઓ સ્વીકારાશે. મતદાર યાદીમાં નામ ઉમેરવા ફોર્મ-6, વિદેશી મતદારો માટે ફોર્મ-6એ, વાંધા માટે ફોર્મ-7 અને સુધારા માટે ફોર્મ-8 નિયત કરાયા છે. નાગરિકો પોર્ટલ અને એપથી પણ અરજી કરી શકશે.

https://x.com/ANI/status/2110722774771630412 


આધાર નંબર આપવો મરજિયાત રહેશે 

આયોગે સ્પષ્ટ કર્યું છે કે આધાર નંબર આપવો મરજિયાત રહેશે અને તેના અભાવે કોઈનું નામ રદ થશે નહીં. યાદીમાંથી ખોટી રીતે નામ કમી થતાં અટકાવવા ખાસ સલામતી નિયમો નક્કી કરાયા છે. જો કોઈ બૂથમાં 2% થી વધુ નામો કમી કરવાના હોય કે એક વ્યક્તિ 5 થી વધુ વાંધા રજૂ કરે, તો અધિકારીએ રૂબરૂ તપાસ કરવી પડશે. 

વાંધાઓની યાદી વહેંચવા પણ આદેશ

મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતરિત મતદારોના નામ પૂરતી ચકાસણી અને સુનાવણી આપીને જ કમી કરાશે. સામાન્ય સંજોગોમાં એક મતદાન મથક પર 1,200 થી વધુ મતદારો ન હોવા જોઈએ. રાજકીય પક્ષો સાથે નિયમિત બેઠકો યોજીને વાંધાઓની યાદી વહેંચવા પણ આદેશ અપાયો છે.

નોંધણી માટે ખાસ શિબિરો યોજાશે

મહિલાઓ, ત્રીજી જાતિના લોકો, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે ખાસ શિબિરો યોજાશે. દૂરના વિસ્તારોમાં રહેતા વંચિત જૂથો માટે સહાય ડેસ્ક પણ ઊભા કરાશે. કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને ઓડિશા સહિતના રાજ્યોમાં વિશેષ ગહન પુનરીક્ષણ ચાલુ હોવાથી ત્યાં કાર્યક્રમ હવે પછી જાહેર થશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવામાનની સ્થિતિને ધ્યાને રાખીને સુધારણા તારીખો પાછળથી અપાશે. પંચે અધિકારીઓને કોઈ પણ લાયક મતદાર બાકાત ન રહે તે બાબત સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. 


આ પણ વાંચો   :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?