પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારને મળવા માટે ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા છે. તેમની સાથે 13 પરિવારના સભ્ય પણ છે, જે કથિત રીતે SIR પ્રક્રિયાથી પ્રભાવિત છે. આ લોકોની ફરિયાદોને લઈને ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા છે, જેમના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે અથવા તેમને દબાણમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાક્રમને જોતા ચૂંટણી પંચની બહાર દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે.
SIRથી પ્રભાવિત 13 પરિવારના સભ્યો પણ સામેલ
મમતા બેનર્જીની સાથે CECને મળવા પહોંચેલા પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી સહિત SIRથી પ્રભાવિત 13 પરિવારના સભ્યો પણ સામેલ છે. મમતાની સાથે CECને મળવા જે 13 લોકો પહોંચ્યા છે, તેમાંથી 5 એવા મતદાતા છે જેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ લોકોમાં 5 એવા પરિવારના સભ્ય છે, જેમનું SIRની નોટિસ મળ્યા બાદ મોત થયું હતું. આ સિવાય 3 એવા પરિવારના સભ્ય પણ હાજર છે, જેમના ઘરના BLOની કથિત રીતે કામ કરવાના દબાણના કારણએ મોત થયું. મમતા બેનર્જીનું કહેવું છે કે આ તમામ લોકોને ન્યાય અપાવવાની માગને લઈ તેઓ દિલ્હી પહોંચ્યા છે.













