સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભૂખ હડતાળ પર છે. તેમની હડતાળ શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની માંગણી માટે છે. જ્યારે હવે આ વચ્ચે પોટ્ટી શ્રીરામુલુની શૌર્યગાથાને સમજવી પણ મહત્વપૂર્ણ છે. તેમણે 58 દિવસ ઉપવાસ કર્યા અને તેમના મૃત્યુ પછી આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના થઈ. તો ચાલો પોટ્ટી શ્રીરામુલુના બલિદાનની એ કહાણી જેના કારણે જવાહરલાલ નેહરુને પોતાનો વિચાર બદલવાની ફરજ પડી.

મળતી માહિતી અનુસાર મહાત્મા ગાંધીએ એક વાર પોટ્ટી શ્રીરામુલુ વિશે કહ્યું હતું કે જો તેમના શ્રીરામુલુ જેવા અગિયાર અનુયાયીઓ હોય, તો ભારત એક વર્ષમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરશે. આ વાક્ય સાચું સાબિત થયું નહીં, પરંતુ સ્વતંત્રતા પછી શ્રીરામુલુએ ગાંધીજીના સત્યાગ્રહ અને ઉપવાસના શસ્ત્રોનો ઉપયોગ કરીને ભારતનો નકશો બદલી નાખ્યો.

58 દિવસના કર્યા હતા ઉપવાસ

ઓક્ટોબર 1952 માં, શ્રીરામુલુએ તેલુગુભાષી લોકો માટે અલગ રાજ્યની માંગણી સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. 58 દિવસના ઉપવાસ પછી 15 ડિસેમ્બર, 1952 ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના મૃત્યુથી આંધ્ર રાજ્યનો જન્મ થયો. આ સમગ્ર ઘટના હવે ફરીથી સમાચારમાં છે કારણ કે લદ્દાખી શૈક્ષણિક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર ખાતે તેમના અનિશ્ચિત ઉપવાસના 20મા દિવસે પહોંચી ગયા છે. સ્વતંત્રતા અને પ્રજાસત્તાકવાદના થોડા વર્ષો પછી, ભારતમાં રાજ્યો ભાષાના આધારે રચાયા ન હતા. તે સમયે, સમગ્ર તેલુગુભાષી પ્રદેશ મદ્રાસ પ્રેસિડેન્સી અને પછી 1950 થી મદ્રાસ રાજ્યનો ભાગ હતો. તેલુગુભાષીઓ માટે અલગ રાજ્યની માંગ શ્રીરામુલુ પહેલા પણ ચાલી હતી.

આંધ્ર મહાસભા બ્રિટિશ યુગથી જ તેલુગુ ઓળખને મજબૂત બનાવવા માટે કામ કરી રહી હતી. કોંગ્રેસ પાર્ટીએ પણ 1920 ના દાયકાથી ભાષા આધારિત રાજ્યોને ટેકો આપ્યો હતો, પરંતુ દેશના ભાગલા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. સાંપ્રદાયિક હિંસા, શરણાર્થી પુનર્વસન, કાશ્મીરમાં પાકિસ્તાન સાથેનું યુદ્ધ અને રજવાડાઓનું વિલીનીકરણ જેવા પડકારો વચ્ચે નેહરુને ડર હતો કે ભાષા આધારિત રાજ્યો બનાવવાથી વિભાજનકારી શક્તિઓને પ્રોત્સાહન મળી શકે છે.

નેહરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયાની JVP સમિતિએ ભાષા આધારિત રાજ્યો પર કોંગ્રેસના અગાઉના વલણને ઉલટાવી દીધું. મે 1952 માં નેહરુએ સંસદમાં જણાવ્યું હતું કે ભાષાકીય રાજ્યોનું નિર્માણ યોગ્ય સમયે શક્ય બની શકે છે, પરંતુ હવે યોગ્ય સમય નથી. જોકે, તેલુગુ નેતાઓને લાગ્યું કે નેહરુનું વલણ અસ્પષ્ટ છે અને કોઈને ખબર નથી કે યોગ્ય સમય ક્યારે આવશે. આ અસ્વસ્થતાએ આંધ્ર પ્રદેશમાં ચળવળને વેગ આપ્યો.

પોટ્ટી શ્રીરામુલુ એન્જિનિયર હતા

પોટ્ટી શ્રીરામુલુનો જન્મ 1901 માં થયો હતો. તેઓ એક એન્જિનિયર હતા અને રેલવેમાં કામ કરતા હતા. 1928માં તેમની પત્ની અને નવજાત બાળકના મૃત્યુ પછી તેમનું જીવન બદલાઈ ગયું. 1930માં તેઓ નોકરી છોડીને ગાંધીજીના મીઠા સત્યાગ્રહમાં જોડાયા અને સાબરમતી આશ્રમમાં રહ્યા. ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે દોઢ વર્ષ જેલમાં પણ વિતાવ્યા.

 દલિતોના મંદિરોમાં પ્રવેશની માંગણી

શરૂઆતમાં, તેમનું આંદોલન દલિતોના મંદિરોમાં પ્રવેશના અધિકાર પર કેન્દ્રિત હતું. 1946માં, તેમણે આ જ માંગણી માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, જે તેમણે ફક્ત ગાંધીજીની વિનંતી પર જ સમાપ્ત કર્યા. 1952 સુધીમાં આંધ્ર ચળવળને રાજકીય તાકાત મળી હતી. મદ્રાસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેલુગુ પ્રદેશોમાં 145 બેઠકોમાંથી માત્ર 43 બેઠકો જીતી હતી, જ્યારે આંધ્ર રાજ્યનું સમર્થન કરતી પાર્ટીઓનો વિજય થયો હતો.

બીજો મોટો વિવાદ મદ્રાસ શહેરને લગતો હતો. તેલુગુ નેતાઓ ઇચ્છતા હતા કે મદ્રાસ આંધ્ર રાજ્યનો ભાગ બને, પરંતુ નેહરુ અને મદ્રાસના તત્કાલીન મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી આનો સખત વિરોધ કરતા હતા. આ વાતાવરણમાં, 19 ઓક્ટોબર, 1952ના રોજ, શ્રીરામુલુએ ફરીથી મદ્રાસમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેમનો ટેકો વધતો ગયો. અનેક શહેરોમાં હડતાળ ફાટી નીકળી. ડિસેમ્બરની શરૂઆતમાં નેહરુએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉપવાસથી સંપૂર્ણપણે અપ્રભાવિત છે અને તેને અવગણશે.

પરંતુ 12 ડિસેમ્બરે, વધતા દબાણ વચ્ચે નેહરુએ રાજગોપાલાચારીને પત્ર લખ્યો કે આંધ્રની માંગણી સ્વીકારવાનો સમય આવી ગયો છે, નહીં તો તેલુગુ લોકોમાં ઊંડી નિરાશા ફેલાઈ જશે. તેમ છતાં સરકારે કોઈ ઔપચારિક જાહેરાત કરી નહીં.

58માં દિવસે લથડી હતી હાલત

58મા દિવસ સુધીમાં શ્રીરામુલુની હાલત વધારે બગડી ગઈ હતી. તેમની આંખો ઉંડી ઉતરી ગઈ હતી, તેમનું ગળું સૂજી ગયું હતું અને તેઓ પાણી પણ ઉતારી શકતા ન હતા. 15 ડિસેમ્બર, 1952 ના રોજ તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના સમાચાર ફેલાતાં જ તેલુગુ વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી. સરકારી કચેરીઓ પર હુમલો કરવામાં આવ્યો, ટ્રેનો રોકવામાં આવી અને પોલીસ ગોળીબારમાં ઘણા વિરોધીઓ માર્યા ગયા. અંતે ચાર દિવસ પછી 19 ડિસેમ્બરે, નેહરુએ અલગ આંધ્ર રાજ્ય બનાવવાની જાહેરાત કરી, જોકે તેમાં મદ્રાસ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

આંધ્ર રાજ્ય ઔપચારિક રીતે 1 ઓક્ટોબર, 1953 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જેની રાજધાની કુર્નૂલ હતી. ત્રણ વર્ષ પછી નવેમ્બર 1956માં તેને હૈદરાબાદ રાજ્યના તેલંગાણા પ્રદેશ સાથે ભેળવીને આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. 2014માં તેલંગાણા ફરીથી અલગ થયું. શ્રીરામુલુના મૃત્યુ પછી મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં ભાષાકીય માંગણીઓ પણ મજબૂત બની. જેના કારણે સરકારને રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરવાની ફરજ પડી, જેણે પાછળથી 1956માં દેશના રાજ્યોનું મોટું પુનર્ગઠન કર્યું.

આ પણ વાંચો: માથાથી જોડાયેલી છે આ જોડિયા બહેનો... શુ થાય છે જ્યારે એકને ઉઠવું હોય અને બીજીને સૂવું હોય?