સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી પણ પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. વાંગચુકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો સાથે જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોઈને તેમણે ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

https://twitter.com/ANI/status/2079197154409943135

યુવા નેતાઓને તેમની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ

વાંગચુકે સરકારને અપીલ કરી છે કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સંસદ ભવનમાં સાંસદો સાથે પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક આપવામાં આવે અથવા તેમને હોસ્પિટલમાં મળવાની મંજૂરી આપવામાં આવે. તેમણે આશા વ્યક્ત કરી કે આ મામલે સરકાર અને પ્રશાસન ઝડપથી ઉકેલ લાવશે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે યુવા નેતાઓને તેમની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ. વાંગચુકે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા છે અને તેઓ ધીરજ તથા સહનશીલતા જાળવી રહ્યા છે.

દિલ્હી હાઈકોર્ટે તમામ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો

સોનમ વાંગચુક હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અગાઉ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતર પરથી હટાવ્યા બાદ તબીબી દેખરેખ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમની પત્નીએ તેમને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની માગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે દિલ્હી હાઈકોર્ટે તમામ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે અને ડોક્ટરોની સલાહ બાદ નિર્ણય લેવાની વાત કરી છે. દરમિયાન વાંગચુકે સરકાર અને પોલીસને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Jammu Kashmir Landslides : પૂંછમાં ભૂસ્ખલનથી મચી તબાહી, 7 લોકોના મોત