ભારતમાં પ્રદૂષણ માટે વિવિધ પરિબળો જવાબદાર છે, જેમાં વાહનો અને ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો, કોલસા આધારિત વીજ મથકો, કૃષિ પ્રવૃત્તિઓ અને ઘરોમાં ઘન ઇંધણ (solid fuels) સળગાવવાનો સમાવેશ થાય છે. પ્રદૂષણની અસર બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ કરીને ગંભીર હોઈ શકે છે. PM2.5 જેવા સૂક્ષ્મ રજકણો (fine particulate matter) માત્ર ફેફસાંને જ નહીં, પરંતુ હૃદય અને મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે. પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને ફેફસાંના કેન્સરનું જોખમ વધી જાય છે.
ભારતમાં વધતા પ્રદૂષણના અનેક સ્ત્રોતો
ભારતમાં વાયુ પ્રદૂષણની સમસ્યા માત્ર વાહનોના ધુમાડા કે પાકના અવશેષો (stubble) સળગાવવાને કારણે નથી. 'સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૫' અહેવાલ મુજબ, PM2.5 પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોમાં વાહનોની અવરજવર, ઘરોમાં બળતણનો ઉપયોગ, કોલસા આધારિત વીજ મથકો, કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, કચરો સળગાવવો અને જંગલોમાં લાગતી આગનો સમાવેશ થાય છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૩માં, દક્ષિણ એશિયા એ વિશ્વનો એવો પ્રદેશ હતો જ્યાં PM2.5 પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હતું, અને ભારત આ પ્રદેશના એવા દેશોમાં સામેલ છે જે પ્રદૂષણનો મોટો બોજ સહન કરી રહ્યા છે.
ઘરગથ્થુ રસોઈમાંથી નીકળતો ઝેરી ધુમાડો
ભારતમાં પ્રદૂષણ માટેનું એક મુખ્ય કારણ 'ઇનડોર' (ઘરની અંદરનું) વાયુ પ્રદૂષણ છે. લાકડા, કોલસો અને છાણાં જેવા ઘન ઇંધણનો ઉપયોગ કરીને રસોઈ કરતી વખતે નીકળતો ધુમાડો માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. અહેવાલ મુજબ, ભારતમાં રસોઈ માટે વપરાતા ઘન ઇંધણમાંથી નીકળતો ધુમાડો દેશના વાતાવરણીય (બહારના) PM2.5 પ્રદૂષણમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. બાળકો અને વૃદ્ધો માટે સૌથી વધુ જોખમ
જોકે પ્રદૂષિત હવા તમામ ઉંમરના લોકો પર અસર કરે છે, પરંતુ બાળકો અને વૃદ્ધો તેનાથી વિશેષ જોખમમાં હોય છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે બાળકોના ફેફસાં અને શરીરના અન્ય અંગો હજુ સંપૂર્ણ રીતે વિકસિત હોતા નથી. વધુમાં, તેમના શ્વસનમાર્ગ નાના હોય છે, જેના કારણે પ્રદૂષિત હવાને લીધે થતી સોજાની પ્રક્રિયા (inflammation) વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અકાળે જન્મ (premature birth) અને જન્મ સમયે ઓછું વજન હોવાનું જોખમ વધે છે. વૃદ્ધોમાં, પ્રદૂષણ હૃદય અને ફેફસાં સંબંધિત રોગોનું જોખમ વધારે છે. વૈશ્વિક સ્તરે, 2023માં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થયેલા લગભગ 50 લાખ મૃત્યુ હવાના પ્રદૂષણ સાથે સંકળાયેલા હતા.
ફેફસાંથી આગળની અસર: હૃદય અને મગજ પર થતી અસરો
હવાના પ્રદૂષણની અસર માત્ર શ્વસન સંબંધી બીમારીઓ પૂરતી સીમિત નથી. અહેવાલ મુજબ, સૂક્ષ્મ PM2.5 કણો ફેફસાંમાં પ્રવેશી શકે છે અને ત્યારબાદ રક્તપ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકે છે. જેનાથી શરીરમાં સોજો (inflammation) અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ (oxidative stress) પેદા થાય છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો, ટાઇપ ૨ ડાયાબિટીસ અને ફેફસાંના કેન્સરનું જોખમ વધી શકે છે.
આ અહેવાલમાં પ્રથમ વખત પ્રદૂષણ અને 'ડિમેન્શિયા' (સ્મૃતિભ્રંશ) વચ્ચેના સંબંધની પણ તપાસ કરવામાં આવી છે. એક એવી સ્થિતિ જે યાદશક્તિ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને નબળી પાડે છે. 2023માં, વિશ્વભરમાં ડિમેન્શિયા સંબંધિત લગભગ 6,26,000 મૃત્યુમાં હવાના પ્રદૂષણને એક કારણભૂત પરિબળ તરીકે ઓળખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Diwali Khushiyon Ki Eid: દિવાળી "ખુશીઓની ઈદ...", ખડગેના નિવેદન પર રાજકીય વિવાદ, BJPએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર