રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા પવિત્ર તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સામાન્ય જનતા માટે મોંઘવારી એક મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. ખાંડના ઘટવાના બદલે સતત વધી રહેલા ભાવોએ સામાન્ય ખરીદદારોના બજેટને હચમચાવી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે છૂટક બજારમાં ખાંડના ભાવમાં ફરી એક રૂપિયાનો વધારો નોંધાયો હતો, જેના કારણે તે વધીને આશરે 64 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે, જ્યારે સોમવારે સરેરાશ ભાવ 63.05 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આસપાસ હતો.

ખાંડના ભાવમાં ફરી વધારો

ગ્રાહક બાબતોના વિભાગના આંકડા દર્શાવે છે કે 25 ઓગસ્ટના રોજ ખાંડનો અખિલ ભારતીય સરેરાશ ભાવ 63.97 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જે એક મહિના અગાઉના 48.81 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સરખામણીમાં આશરે 31% વધુ છે. એટલું જ નહીં, ગયા વર્ષના ઓગસ્ટ માસની સરખામણીમાં આ ભાવમાં લગભગ 38% નો જંગી વધારો થયો છે. 

મિલ સ્તરે ભાવમાં ઘટાડો પણ છૂટક બજારમાં ભાવ એટલો જ

મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે ખાંડનો મહત્તમ વેચાણ ભાવ 76 રૂપિયા પ્રતિ કિલો સુધી નોંધાયો હતો, જ્યારે "મોડેલ રેટ" 65 રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે, સરકાર અને ખાંડ ઉદ્યોગ સંસ્થાઓનું કહેવું છે કે મિલ સ્તરે ભાવોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ છૂટક બજારમાં તેની વાસ્તવિક અસર હજુ દેખાઈ નથી.

સરકાર દ્વારા લેવાયેલા રાહતના પગલાં

વધતા ભાવોને કાબૂમાં લાવવા અને બજારમાં પુરવઠો સુધારવા માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વપૂર્ણ અને કડક નિર્ણયો લીધા છે. સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા માટે 10 લાખ મેટ્રિક ટન (10 LMT) કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સંગ્રહખોરી અને કાળાબજારને ડામવા માટે વેપારીઓ માટે 400 ટનની સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આગામી 1 સપ્ટેમ્બરથી મોટા ઔદ્યોગિક ગ્રાહકો જેવા કે બેકરી અને કન્ફેક્શનરી સંચાલકો માટે પણ 15 દિવસથી વધુ સમય સુધી સ્ટોક રાખવા પર પ્રતિબંધ રહેશે.

ખાંડ મિલોની કરાશે ચકાસણી

સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત ટીમો દ્વારા ખાંડ મિલોની ભૌતિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ખાંડના જથ્થાબંધ ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે, અને સરકારની આ કડક કાર્યવાહીથી આગામી દિવસોમાં છૂટક બજારમાં પણ રાહત મળવાની આશા સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Viral Post: કુંવારા છોકરાઓ ખુશ થાઓ! REEL બનાવો અને કરો લગ્ન.....