તહેવારોની સિઝન પહેલાં ખાંડના વધતા ભાવને કારણે સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં રિટેલ અને હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં આશરે 24 ટકાનો વધારો થયો છે અને ભાવ 56થી 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 20 ઓગસ્ટે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે.

https://twitter.com/ANI/status/2091839332562931955

દેશમાં ખાંડની કોઈ અછત નથી: ISMA

જોકે, ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA)નું કહેવું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી. ISMAના અધ્યક્ષ નીરજ શિરગાંવકરના જણાવ્યા અનુસાર, 1 ઓગસ્ટ સુધી દેશમાં આશરે સાડા ત્રણ મહિનાનો સ્ટોક ઉપલબ્ધ હતો. સરકારનો આયાતનો નિર્ણય અછતને કારણે નહીં પરંતુ સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે. આયાતથી અંદાજિત ક્લોઝિંગ સ્ટોકમાં 25થી 29 ટકાનો વધારો થવાની શક્યતા છે.

શું છે ભાવવધારાનું મુખ્ય કારણ?

તાજેતરમાં ભાવ વધવાનું મુખ્ય કારણ સટોડિયાઓ દ્વારા કરાયેલી જમાખોરી હોવાનું જણાવવામાં આવે છે. ખરાબ હવામાનને કારણે ઉત્પાદન પર પણ થોડી અસર પડી છે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝના અધ્યક્ષ પ્રકાશ નાઈકનવરેએ પણ દેશમાં પૂરતો પુરવઠો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2025-26 સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 279 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે 2026-27 સિઝનની શરૂઆતમાં લગભગ 35 લાખ ટનનો સ્ટોક રહેવાની અપેક્ષા છે. દેશમાં દર મહિને આશરે 22 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે.

કયાથી કરાશે આયાત?

આયાત માટે બ્રાઝિલ મુખ્ય વિકલ્પ રહેશે. બ્રાઝિલથી ભારત સુધી ખાંડની ખેપ પહોંચવામાં સામાન્ય રીતે 40થી 45 દિવસ લાગે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ જેવા દરિયાકાંઠાના રાજ્યોમાં આયાતી ખાંડ પહેલાં પહોંચવાની શક્યતા છે. સરકાર 31 ઓક્ટોબરની આયાતની સમયમર્યાદામાં પણ જરૂરી રાહત આપી શકે છે.

આ પણ વાંચો : CBI તપાસ કે કેન્સલ થશે JPSC પરીક્ષા? સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકારને મોકલી નોટિસ