તાજેતરના સમયમાં બજારમાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં અચાનક આશરે 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતા અને બજારમાં ખાંડની અછત સર્જાઈ હોવાની બિનજરૂરી આશંકાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે. જો કે, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA) દ્વારા આ તમામ અટકળોને પાયાવિહોણી ગણાવવામાં આવી છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.

બજારમાં અફવા ન ફેલાવો

એસોસિએશને તેના 700 થી વધુ સંલગ્ન સભ્યો અને હિસ્સેદારોને એક સંદેશ મોકલીને અપીલ કરી છે કે બજારમાં ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી. અગાઉ, ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) અને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ (NFCSF) દ્વારા પણ સંયુક્ત રીતે આ વાતની ખાતરી આપવામાં આવી હતી કે દેશમાં ખાંડની કોઈ કમી નથી. વધુમાં, ખાંડ ઉદ્યોગ કૃષિ-આબોહવાની અનુકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૬-૨૭ની ક્રશિંગ (પિલાણ) સીઝન વહેલી શરૂ કરવા માટે સંમત થયો છે, જેના કારણે બજારમાં નવી ખાંડની આવક વહેલી શરૂ થશે અને પુરવઠો વધુ મજબૂત બનશે.

અછતનો ભય ખોટો

AISTA ના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણીએ જણાવ્યું હતું કે ભાવમાં થયેલા સામાન્ય વધારાને કારણે લોકોમાં અછતનો ખોટો ભય ઊભો થયો છે. તેમણે ખાંડ મિલો, ટ્રેડિંગ હાઉસ, જથ્થાબંધ વેપારીઓ, વિતરકો અને સંસ્થાકીય ગ્રાહકો સહિત મૂલ્ય શૃંખલાના તમામ ઘટકોને અપીલ કરી છે કે તેઓ દેશભરમાં ખાંડની સરળ અને અવિરત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સકારાત્મક સહયોગ આપે. તેમણે કોવિડ-૧૯ મહામારીના સમયનું ઉદાહરણ આપીને યાદ કરાવ્યું કે તે મુશ્કેલ સમયમાં પણ ઉદ્યોગે પુરવઠામાં કોઈ વિક્ષેપ પડવા દીધો ન હતો અને સરકારે પણ આ જવાબદાર અભિગમની પ્રશંસા કરી હતી. વર્તમાન પરિસ્થિતિમાં પણ વેપારીઓએ એ જ જવાબદારી નિભાવવી જોઈએ.

ખાંડ સરળતાથી મળી રહી છે

સંગઠને ખાસ કરીને સંગ્રહખોરી, ગભરાટમાં ખરીદી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવા કડક તાકીદ કરી છે. તમામ હિસ્સેદારોને સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી કે અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. ઉદ્યોગ સંગઠનોની આ ખાતરી બાદ બજારમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ખાંડની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ રહી છે.

આ પણ વાંચોઃ CJP Protest: દિલ્હીના જંતર મંતર પર ફરી પરિસ્થિતિ બની તંગ, વિદ્યાર્થીઓ અને નિહંગો વચ્ચે અથડામણ