દેશમાં આગામી મુખ્ય તહેવારોની મોસમ પહેલા ખાંડની અછત અને તેના સતત વધી રહેલા ભાવોને કારણે રિટેલર્સ અને ઇન્સ્ટન્ટ-કોમર્સ કંપનીઓએ સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડી-માર્ટ જેવી મોટી સુપરમાર્કેટ ચેઇન્સ તેમજ બિગબાસ્કેટ, બ્લિંકિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર મર્યાદા (Purchase Limit) લાદી દીધી છે. છેલ્લા બે મહિનામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં આશરે 40 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જેના કારણે રિટેલર્સે ગ્રાહકો દીઠ ખાંડની ખરીદીને 3 થી 5 કિલો સુધી સીમિત કરી દીધી છે.
ખર્ચને કારણે કંપનીઓના નફા પર દબાણ
આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે જ્યારે પેકેજ્ડ ફૂડ અને નાસ્તા બનાવતી કંપનીઓ માત્ર ખાંડ જ નહીં પરંતુ રસોઈ તેલના પણ ઊંચા ખર્ચનો સામનો કરી રહી છે. આ વધતા ખર્ચને કારણે કંપનીઓના નફા પર ભારે દબાણ આવ્યું છે. પરિણામે, ખાદ્ય ઉત્પાદકો તેમના ઉત્પાદનોના ભાવમાં 5% થી 6% સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. એક મોટી નાસ્તા ઉત્પાદક કંપનીના વડાએ જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેમની પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
ભાવ વધારા પાછળના કારણો અને રેશનિંગ
બજારના વિશેષજ્ઞોના મતે, અપેક્ષા કરતા ઓછું ખાંડનું ઉત્પાદન, અગાઉ થયેલી 800,000 ટન ખાંડની નિકાસ અને કેટલાક વચેટિયાઓ દ્વારા કરવામાં આવેલી સંગ્રહખોરી આ કિંમતોમાં વધારા માટે જવાબદાર છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ગત અઠવાડિયે સરકારે 1 મિલિયન ટન ખાંડની આયાતને મંજૂરી આપી હતી. જોકે, રાહત મળે તે પહેલાં વિવિધ ઇ-કોમર્સ અને રિટેલ કંપનીઓએ સ્ટોક જાળવી રાખવા માટે રેશનિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
દેશના વિવિધ શહેરોમાં પ્લેટફોર્મ્સ દ્વારા મર્યાદાઓ નક્કી કરાઇ
બ્લિંકિટ: દિલ્હી-NCR અને પુણેમાં ગ્રાહકો માત્ર 5 કિલો સુધીની મર્યાદિત બ્રાન્ડેડ ખાંડ જ ખરીદી શકે છે, અથવા કાર્ટમાં ફક્ત ત્રણ 1 કિલોના પેક ઉમેરી શકે છે.
બિગબાસ્કેટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ: આ પ્લેટફોર્મ્સ પર પણ ચોક્કસ બ્રાન્ડ્સ માટે 1 કિલોના બે થી પાંચ પેક સુધીની જ મર્યાદા રાખવામાં આવી છે.
ડી-માર્ટ: સુપરમાર્કેટના સ્ટોર્સ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે એક ગ્રાહક પ્રતિ ઇન્વોઇસ માત્ર 5 કિલો ખાંડ જ ખરીદી શકશે.
અગાઉ સરકારે સરપ્લસ સ્ટોકની આશા રાખીને 2 મિલિયન ટન નિકાસને છૂટ આપી હતી, પરંતુ સ્થાનિક બજારમાં ભાવ વધતા મે મહિનામાં નિકાસ અટકાવી દેવામાં આવી હતી. સરકારી પગલાંથી મિલ સ્તરે ભાવ ઘટીને 58 રૂપિયા થયા હોવા છતાં, રક્ષાબંધન અને તહેવારો ટાણે ગ્રાહકોએ આ મર્યાદાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Sugar Price Hike: તહેવારો પહેલા ફરી એક વખત ખાંડના ભાવમાં વધારો! જાણો કેટલા થયા રેટ....