સુપ્રીમ કોર્ટે અવિવાહિત કપલના 4 વર્ષના બાળકની કસ્ટડી અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. બાળકની અભિરક્ષા માટે ચાલી રહેલા વિવાદમાં સર્વોચ્ચ અદાલતે વચગાળાની કસ્ટડી તેની જર્મન માતાને સોંપવાનો આદેશ આપ્યો છે. જોકે, ભારતીય પિતાને બાળકને મળવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહ અને ન્યાયમૂર્તિ એન.વી. અંજરિયાની ખંડપીઠે પ્રાથમિક દૃષ્ટિએ જણાવ્યું હતું કે બાળકની કસ્ટડી પર ભારતીય પિતાની સરખામણીએ માતાનો દાવો વધુ મજબૂત જણાય છે.

સિંગાપોરમાં રહે છે જર્મન માતા

આ કેસમાં માતા જર્મન નાગરિક છે અને સિંગાપોરમાં રહે છે. તે ટિકટોક માટે કામ કરે છે. બીજી તરફ, બાળકના પિતા ભારતીય નાગરિક છે અને દિલ્હીમાં કાનૂની પેઢી ચલાવે છે. બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા બાદ બાળકની કસ્ટડીને લઈને વિવાદ શરૂ થયો હતો.

માતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી 

માતાએ આક્ષેપ કર્યો હતો કે પિતા તેને બાળક સુધી પહોંચવા અને તેની સંભાળ રાખવાથી રોકી રહ્યા છે. બાળકના શિક્ષણ માટે તેને સિંગાપોર લઈ જવાની મંજૂરી આપવા પણ માતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી.

માતાની યોજના બાળક માટે લાભદાયી હોવાનું અવલોકન

સુપ્રીમ કોર્ટે બાળકની સંભાળ માટે માતા અને પિતા તરફથી રજૂ કરવામાં આવેલી યોજનાઓની તપાસ કરી હતી. ખંડપીઠે જણાવ્યું કે માતાની રજૂ કરેલી યોજના વાસ્તવિક અને બાળકના હિતમાં લાભદાયી જણાય છે. આથી માતાને બાળક સાથે સિંગાપોર જવાની મંજૂરી આપવામાં આવી છે.

પિતાને બાળકને મળવાનો અધિકાર

અદાલતે બાળકની વચગાળાની કસ્ટડી માતાને સોંપવાની સાથે પિતાને બાળકને મળવાનો અધિકાર પણ આપ્યો છે. ખંડપીઠે જણાવ્યું કે માતા-પિતા વચ્ચેના વિવાદને કારણે બાળકની સ્વાયત્તતા અને હિત જોખમમાં મુકાય નહીં તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં અંતિમ નિર્ણય

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આદેશ માત્ર વચગાળાની વ્યવસ્થા છે. પિતાએ દાખલ કરેલી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.

પિતાની અરજી પર કાયદા અનુસાર અંતિમ નિર્ણય થશે

ખંડપીઠે વધુમાં જણાવ્યું કે આ આદેશથી નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના અધિકારક્ષેત્ર પર કોઈ અસર નહીં થાય. સંબંધિત કોર્ટ પિતાની અરજી પર કાયદા અનુસાર અંતિમ નિર્ણય કરશે. 


આ પણ વાંચો :   Cyclone Akvan : અલ નીનોની અસરથી ‘અકવાન’નો માર્ગ બદલાયો, 80ની ઝડપે લેન્ડફોલ