CBSEના ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી છે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કેન્દ્ર સરકાર, CBSE અને NCERTને નોટિસ પાઠવી 10 દિવસમાં વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટે હાલ માટે આ નીતિના અમલ પર તાત્કાલિક રોક લગાવવાનો ઈનકાર કર્યો છે.
શું દાવો છે અરજદારોનો?
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ અમલમાં આવેલી આ વ્યવસ્થાની સંપૂર્ણ સુનાવણી બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સાથે જ કોર્ટે નોંધ્યું કે નવી ભાષા શીખવી ક્યારેય વ્યર્થ નથી જતી. અરજદારોનો દાવો છે કે તેઓ ત્રણ ભાષા નીતિના વિરોધમાં નથી, પરંતુ તેને અમલમાં મૂકવાની રીત સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ અનેક શાળાઓમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રશિક્ષિત શિક્ષકો અને યોગ્ય પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી. ઉપરાંત 14 વર્ષ પછી વિદ્યાર્થીઓ પર સ્થાનિક ભાષા ભણવાનો વધારાનો અભ્યાસભાર આવશે. NEP મુજબ આ નીતિ 2029-30 સુધી તબક્કાવાર અમલમાં આવવાની હતી, પરંતુ તેને અચાનક 2026-27ના શૈક્ષણિક સત્રથી લાગુ કરાઈ રહી હોવાનું પણ અરજીમાં જણાવાયું છે.
