પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના અનેક હિસ્સાઓમાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસાની સૌથી ગંભીર અસર ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં જોવા મળી, જ્યાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અત્યંત વિશ્વાસુ અને અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની નિર્મમ હત્યા કરવામાં આવી. આ ઘટનાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
હુમલાખોરોએ ચંદ્રનાથ રથની હિલચાલ પર રાખી હતી નજર
તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય ગુનો નહોતો, પરંતુ અત્યંત સાવચેતીપૂર્વક ઘડવામાં આવેલું એક સુનિયોજિત કાવતરું હતું. હુમલાખોરોએ ચંદ્રનાથ રથની હિલચાલ પર લાંબા સમય સુધી નજર રાખી હતી. જ્યારે રથ મધ્યમગ્રામના દોહરિયા-જેસોર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જેવી કારની ગતિ ધીમી પડી, તકનો લાભ ઉઠાવીને હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પહેલા કારના કાચ તોડવા માટે ગોળીબાર થયો અને ત્યારબાદ સીધો ચંદ્રનાથ રથને નિશાન બનાવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ ચલાવવામાં આવી.
સારવાર મળે તે પહેલા જ મોત
ચંદ્રનાથ રથને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેમને છાતીના ભાગે બે ગોળીઓ વાગી હતી, જે સીધી હૃદયને સોંસરી નીકળી ગઈ હતી. આ ઉપરાંત એક ગોળી પેટમાં પણ વાગી હતી. હુમલાની તીવ્રતા એટલી હતી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ હુમલામાં તેમની સાથે રહેલા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે.
https://twitter.com/ANI/status/2052117075108520245
પોલીસ તપાસ અને નકલી કારનું રહસ્ય
પશ્ચિમ બંગાળ પોલીસે આ કેસમાં તપાસ તેજ કરી છે. પોલીસને ઘટનાસ્થળની નજીકથી એક શંકાસ્પદ કાર મળી આવી છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ કર્યો હોવાની આશંકા છે. આ કાર પર સિલિગુડીનો રજીસ્ટ્રેશન નંબર હતો, પરંતુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ નંબર પ્લેટ સંપૂર્ણપણે નકલી અને છેડછાડ કરેલી હતી. ડીજીપી સિદ્ધનાથ ગુપ્તાએ જણાવ્યું કે, ગુનેગારોએ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી લાયસન્સ પ્લેટનો ઉપયોગ કર્યો હતો.
પુરાવાઓનું એકત્રીકરણ
ઘટનાસ્થળેથી પોલીસને જીવતા કારતૂસ અને ફૂટેલા રાઉન્ડના અવશેષો મળી આવ્યા છે. હાલમાં પોલીસ મધ્યમગ્રામ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી હુમલાખોરો કયા રસ્તેથી આવ્યા અને ક્યાં ભાગી ગયા તેની કડી મેળવી શકાય. ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા આ હત્યાને રાજકીય રીતે પ્રેરિત ગણાવવામાં આવી રહી છે, જ્યારે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર બંગાળના રાજકારણમાં હિંસાના વરવા દ્રશ્યોને જીવંત કરી દીધા છે.
હોસ્પિટલની બહાર અંધાધૂંધી, કડક સુરક્ષા
હત્યા બાદ, સેંકડો સમર્થકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા, "અમને ન્યાય જોઈએ છે!" જેવા નારા લગાવતા હતા. સુરક્ષા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. સુવેન્દુ અધિકારીએ જાતે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિવાર સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ Suvendu Adhikari PA Murder: ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PAની જાહેરમાં હત્યા, હુમલાખોરોએ મારી 4 ગોળીઓ