મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ બારામતીમાં યોજાયેલા તેમના અંતિમ સંસ્કાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે હજારોની મેદની શોકમાં ડૂબેલી હતી, ત્યારે શાતિર ચોરોએ ભીડનો ગેરલાભ ઉઠાવી અંદાજે રૂ.20.5 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. બારામતી તાલુકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 7 આંતર-જિલ્લા ચોરોની ધરપકડ કરી છે.


વિમાન દુર્ઘટનામાં થયું હતું અવસાન

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવારનું 28મી તારીખે એક કમનસીબ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. 29મી તારીખે બારામતી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યભરના દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા.

ભીડમાં ખેલ પાડતી ગેંગ

અંતિમ સંસ્કારની આ વિશાળ ભીડમાં રણજીત બાળાસાહેબ જાધવ સહિત અનેક લોકો ચોરીનો ભોગ બન્યા હતા. પીડિતોના જણાવ્યા અનુસાર, ગળામાંથી સોનાની ચેઈન અને ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેવામાં આવી હતી. વિશ્વજીત ટુપે, અંકુશ દિઘે અને પ્રશાંત સપકલ જેવા અનેક નાગરિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

બારામતી તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ જિલ્લાના રહેવાસી એવા 7 આરોપીઓની ધરપકડ કરી છે: રાજકુમાર બાબુરાવ આઠવલે, મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ, એજાઝ ભાગુ મીરાવાલે, મોહમ્મદ સાદિક મોહમ્મદ ગફાર, બાલુ ઉર્ફે દત્તાત્રય બબન ધોત્રે, તુષાર કૈલાશ માસલ, નીતિન અંકુશ ગાયકવાડ.

સફળતાપૂર્વક પાર પડ્યું ઓપરેશન 

તેમજ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે "આરોપીઓ પાસેથી ચોરાયેલું સોનું અને રોકડ રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ટોળકીએ સુનિયોજિત રીતે ભીડનો લાભ લીધો હતો." આ સમગ્ર ઓપરેશન પોલીસ અધિક્ષક સંદીપ ગિલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે જેથી અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: