મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના BPO કેમ્પસમાં ધાર્મિક ધર્માંતરણ, જાતીય સતામણી અને માનસિક ત્રાસનું એક ભયાનક નેટવર્ક સામે આવ્યું છે. ફેબ્રુઆરી 2026 માં શરૂ થયેલી આ તપાસમાં હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આંતરરાષ્ટ્રીય કનેક્શન શોધી કાઢ્યા છે, જે કોર્પોરેટ ક્ષેત્રની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે.

પોલીસનો વેશપલટો અને ગુપ્ત તપાસ

આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક રાજકીય કાર્યકર્તાએ ફરિયાદ કરી કે કંપનીમાં કામ કરતી હિન્દુ મહિલાઓ પર ધાર્મિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. નાસિક પોલીસે ગંભીરતા સમજીને મહિલા કોન્સ્ટેબલોને હાઉસકીપિંગ સ્ટાફના વેશમાં કંપનીમાં તૈનાત કર્યા. આ અધિકારીઓએ કેમ્પસમાં રહીને એવી પ્રવૃત્તિઓ જોઈ જે ચોંકાવનારી હતી; જેમાં ટીમ લીડર્સ દ્વારા મહિલા કર્મચારીઓ પર અમાનવીય દબાણ અને સતામણી કરવામાં આવતી હતી.

મલેશિયા કનેક્શન અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક

SIT ની તપાસમાં વોટ્સએપ ચેટ્સ દ્વારા જાણવા મળ્યું કે આ માત્ર સ્થાનિક મામલો નથી. મલેશિયામાં રહેતા 'ઇરમાન' નામના શંકાસ્પદ ઉપદેશક સાથે પીડિતોને વીડિયો કોલ દ્વારા વાત કરાવવામાં આવતી હતી. આ નેટવર્ક 2022 થી 2026 દરમિયાન સક્રિય હતું, જેમાં 18 થી 25 વર્ષની યુવતીઓને નિશાન બનાવી ઇસ્લામ સ્વીકારવા માટે લાલચ અને ધમકીઓ આપવામાં આવતી હતી.

ગંભીર આરોપો અને 9 FIR

અત્યાર સુધીમાં કુલ 12 પીડિતો (8 મહિલા અને 1 પુરુષ સહિત) સામે આવ્યા છે અને 9 FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર, નિદા ખાન અને રઝા મેમણ જેવા નામો સામેલ છે. તેમના પર બળાત્કાર, અશ્લીલ હરકતો, લગ્નના બહાને ધર્માંતરણનું દબાણ અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના ગંભીર આરોપો છે. પાંચમી FIR મુજબ તો કર્મચારીઓને જબરદસ્તી માંસ ખાવા અને નમાઝ પઢવા માટે પણ મજબૂર કરવામાં આવતા હતા.

પોલીસે અશ્વિની ચૈનાની કરી અટકાયત

પોલીસે અશ્વિની ચૈનાનીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મનાતી નિદા ખાન હજુ પણ ફરાર છે. તપાસ એજન્સીઓ કંપનીના સર્વરમાંથી મોકલવામાં આવેલા 78 ઈમેઈલ અને ડિલીટ કરાયેલી વોટ્સએપ ચેટ્સને પુનઃપ્રાપ્ત કરવા ફોરેન્સિક ટીમની મદદ લઈ રહી છે. આ કેસમાં વિદેશી ફંડિંગ અને સંગઠિત નેટવર્કની શક્યતાઓને જોતા આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

 કંપનીના સર્વરમાંથી મોકલવામાં આવેલા 78 ઇમેઇલની તપાસ કરાઇ

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીના સર્વરમાંથી મોકલવામાં આવેલા 78 ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં, અશ્વિની ચૈનાની અને તૌસિફ અત્તાર વચ્ચે 38 વાતચીતો રેકોર્ડ કરવામાં આવી છે. આ શંકા ઉભી કરે છે કે કંપનીમાં એક સંગઠિત નેટવર્ક કાર્યરત હતું, જેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં નિદા ખાનની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવો આરોપ છે કે તેણીએ પીડિત મહિલાઓ પર ધાર્મિક દબાણ લાવ્યું હતું અને આરોપીઓને ટેકો આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે એક વોટ્સએપ ગ્રુપનો ભાગ હતી જ્યાં કર્મચારીઓને નિશાન બનાવવા માટે રણનીતિઓ બનાવવામાં આવતી હતી. ઘણી ચેટ ડિલીટ કરવામાં આવી છે, જેને પુનઃપ્રાપ્ત કરવા માટે ફોરેન્સિક ટીમ કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ કંગાળ Pakistan ને મળ્યું સંજીવની સમાન ₹3 બિલિયનનું પેકેજ,પીએમ શાહબાઝની સાઉદી મુલાકાત!