કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળના સત્તાવાર 'તેલંગાણા રાઇઝિંગ' પ્રતિનિધિમંડળને અમેરિકા જવાની પરવાનગી નકારવામાં આવી છે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીની નિર્ધારિત બોસ્ટન યાત્રા રદ કરવામાં આવી છે અને હવે તેઓ આગામી ૨૩ ઓગસ્ટે લંડનથી સીધા હૈદરાબાદ પરત ફરશે.
અમેરિકાનો પ્રવાસ રદ્દ
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા શુક્રવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હાલમાં લંડનના પ્રવાસે છે. તેમની યોજના લંડનથી અમેરિકાના બોસ્ટન ખાતે જઈને ત્યાંના વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં હાજરી આપવાની હતી અને ત્યારબાદ ૩૦ ઓગસ્ટે હૈદરાબાદ પરત ફરવાનું આયોજન હતું. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા યુએસ પ્રવાસની મંજૂરી ન મળતા સમગ્ર કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો છે.
અમેરિકાની મંજૂરી સરકારે સ્વીકારી નહીં
રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત નીતિ અને પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીના યુકે અને યુએસએ એમ બંને દેશોના પ્રવાસ માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માંગવામાં આવી હતી. કેન્દ્ર સરકારે માત્ર યુકે પ્રવાસને મંજૂરી આપી હતી, જ્યારે યુએસ પ્રવાસની મંજૂરી પેન્ડિંગ રાખી હતી. મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ યુકે પહોંચ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી કે યુએસ પ્રવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે, અનિવાર્ય સંજોગોવસાત રેવંત રેડ્ડીએ તેમનો આયોજિત અમેરિકાનો પ્રવાસ રદ કરવો પડ્યો છે.
એક અઠવાડિયું વહેલા પરત ફરશે મુખ્યમંત્રી
આ પ્રવાસનો મુખ્ય હેતુ 'તેલંગાણા રાઇઝિંગ' પહેલ હેઠળ રાજ્યમાં મોટા પાયે વિદેશી રોકાણ આકર્ષવાનો અને તેલંગાણાને વૈશ્વિક રોકાણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો હતો. બોસ્ટનમાં આયોજિત વિવિધ બેઠકો દ્વારા રાજ્ય માટે નવી વેપારી તકો શોધવાની યોજના હતી, જે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. યુએસ પ્રવાસ રદ થવાને કારણે મુખ્યમંત્રી હવે નિર્ધારિત સમય કરતાં લગભગ એક અઠવાડિયું વહેલા એટલે કે ૨૩ ઓગસ્ટે લંડનથી હૈદરાબાદ પાછા ફરશે.
આ પણ વાંચોઃ ₹900,000 નો પગાર, સ્વર્ગમાં મફત રહેવાની વ્યવસ્થા અને ભોજન, ક્યાં છે આવી નોકરી?