તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને ગંભીર દુર્ઘટના સામે આવી છે. સથુપલ્લી મંડલ સ્થિત બેથુપલ્લી તળાવમાં ફસાયેલા માછીમારોને સલામત બહાર કાઢવાના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની બે બોટ અચાનક પલટી ગઈ હતી. આ અકસ્માતને કારણે SDRFના 10 કોન્સ્ટેબલ તળાવના ઊંડા પાણીમાં ગુમ થઈ ગયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
5 માછીમારોને બચાવવા ગયેલા SDRFની બોટ પલટી
મળતી માહિતી મુજબ, બેથુપલ્લી તળાવમાં પાંચ માછીમારો ફસાયા હોવાના સમાચાર મળતાં SDRFની ટીમ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે રવાના થઈ હતી. બોટ તળાવના મધ્ય ભાગમાં પહોંચી ત્યારે અચાનક હવામાન બગડ્યું હતું. અતિ ભારે પવન અને પાણીના તીવ્ર પ્રવાહના કારણે બોટ પરનું સંતુલન ખોવાઈ ગયું હતું અને જોતજોતામાં SDRFની બંને બોટ પલટી મારી ગઈ હતી. બોટમાં સવાર 10 કોન્સ્ટેબલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
