હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હવામાને અચાનક પલટો મારતા રાજ્યના ઘણા ખરા જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં હવામાનનો પલટો
ચોક્કસથી દિવાળીના તહેવાર અને વેકેશનના સમયમાં લોકો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોની અવશ્ય મુલાકાત લેતા હોય છે અને જો એમાંય હિમવર્ષા પ્રવાસીઓને જોવા મળે એટલે સોનામાં સુગંધ. ત્યારે હિમાચલ પ્રદેશમાં હવામાને અચાનક પલટો લીધો હતો અને બુધવારે વહેલી સવારે ઊંચાઈવાળા વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા હતા. આ હિમવર્ષાથી પ્રવાસન વ્યવસાયોમાં ખુશીનો માહોલ છવાયો છે.
લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓમાં નવી હિમવર્ષા
હિમાચલ હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓમાં બુધવારે હવામાને અચાનક પલટો મારતા ઊંચાઈવાળા વિસ્તારોમાં નવી હિમવર્ષા જોવા મળી હતી. આ હિમવર્ષા થવાના કારણે ત્યાંના પર્યટનને વધારે વેગ મળવાની આશા બંધાઈ છે કેમ કે લાહૌલ-સ્પીતિમાં હિમવર્ષાથી ખુશીનો માહોલ છવાયો છે અને પ્રવાસીઓના આગમનમાં વધારો થવાની અપેક્ષા સેવાઇ રહી છે.
લાહૌલ-સ્પીતિમાં તાપમાન માઈનસ 0.7 ડિગ્રી
હિમાચલ પ્રદેશમાં બુધવારે હવામાને મારેલા અચાનક પલટાની તીવ્રતા એટલી હતી કે શિમલા હવામાન કેન્દ્ર અનુસાર લાહૌલ-સ્પીતિમાં તાપમાન માઈનસ 0.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયુ હતું અને આ સિવાય મનાલીમાં 12 મીમી, ભરમૌરમાં 11.5 મીમી, કેલોંગમાં 6 મીમી, ભુંતરમાં 3.6 મીમી, સીઓબાગમાં 2.4 મીમી, પાલમપુરમાં 2 મીમી અને કુકુમસેરીમાં 1.2 મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી.