કલ્પના કરો કે ગાડી ચલાવતા સમય દરમિયાન તમારું ₹1000 નું ચલણ કપાઈ જાય અને તમારા મોબાઇલ પર મેસેજ આવે કે તમારે ફક્ત અડધો જ દંડ એટલે કે ₹500 જ ભરવો છે. ચોક્કસપણે આ સમાચાર તમારાં ચહેરા પર સ્મિત લાવી દેશે. દેશની એક રાજ્ય સરકારે આવો જ એક આદેશ જારી કર્યો છે. હવે રાજ્યમાં વાહનચાલકોને તેમના જૂના ટ્રાફિક ચાલાન પર 50% છૂટ મળશે. આ રાહત ફક્ત 23 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી જ ઉપલબ્ધ રહેશે.
મળતી માહિતી પ્રમાણે કર્ણાટક સરકારે રોડ પર નિયમો ભંગ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. હવે વાહનચાલકોને તેમના બાકી રહેલા ટ્રાફિક દંડ પર 50% છૂટ મળશે. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાનો ઉદ્દેશ ફક્ત બાકી દંડની વસૂલી નહીં પણ લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની આદત લગાડવાનો છે.
ઇ-ચલણ શું છે?
ઇ-ચલણ એક ડિજિટલ નોટિસ છે, જે સીધા વાહનમાલિકના મોબાઇલ પર SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે છે. આ સિસ્ટમ ટ્રાફિક નિયમોની દેખરેખ સરળ અને કાગળ વિના બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં લાખોના ચલણ જારી થયા છે, પરંતુ ઘણા લોકોએ આજ દિવસ સુધી તેની ચૂકવણી કરી નથી. આવી સ્થિતિમાં, આ છૂટ એ દરેક માટે સારી બાબત છે.
ચુકવણીના સરળ વિકલ્પો
જે વાહનચાલકો બાકી ચલણ ભરવા ઈચ્છે છે, તેમના માટે પોલીસે ઘણા માર્ગો ઉપલબ્ધ કરાવ્યા છે. તમે તમારો દંડ આ રીતે ચૂકવી શકો છો.
btp.gov.in વેબસાઇટ
ટ્રાફિક પોલીસની મોબાઇલ એપ્લિકેશન
નજીકનું ટ્રાફિક પોલીસ સ્ટેશન
મુખ્યમંત્રીની અપીલ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ લોકોને આ બાબતનો લાભ લેવા માટે અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સરકારનો હેતુ ફક્ત બાકી દંડ વસૂલ કરવાનો જ નથી, પરંતુ રોડ સલામતી અને જવાબદારીપૂર્ણ ડ્રાઇવિંગની સંસ્કૃતિને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યુ કે આ જાહેરાતનો લાભ લો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો.
કેમ જરૂરી છે આ પગલું?
બેંગ્લુરૂં જેવા મોટાં શહેરમાં દરરોજ ટ્રાફિક ઉલ્લંઘનના હજારો મામલાઓ દાખલ થાય છે. ઝડપી વાહન હંકારવાથી લઇને સિગ્નલ તોડવા સુધી, દરરોજ હજારો લોકો આવા નિયમો તોડે છે. જેના કારણે લાખો ચલણ જમા થયા છે. જેની વસૂલી મુશ્કેલ છે. સરકાર માને છે કે 50 ટકા છુટ આપીને જૂના ચલણ સમાપ્ત કરીશું અને લોકોને રોડ રસ્તાને લઇને કાયદાની સમજ આપી શકીશું.