તમે મોબાઇલમાં રિચાર્જ કરો ત્યારે બધા પ્લાન્સ જોતા હોવ, ત્યારે ઘણીવાર એમ થાય કે મારે તો ડેટાની જરૂર નથી ખાલી ફોન અને મેસેજ થાય એટલે બહુ. પણ અત્યાર સુધી આપણે એવો જ પ્લાન સિલેક્ટ કરવો પડતો કે જેમાં ડેટા પણ હોય. કારણ કે ફોનકોલ અને મેસેજનું જ રિચાર્જ થાય તેવો કોઇ પ્લાન ન હતો. પરંતુ હવે આમ કરવું શક્ય બનશે. કારણ કે TRAIએ ટેલિકોમ કંપનીઓ માટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. 

માત્ર વોઇસ કોલ અને SMC સેવા ધરાવતો પ્લાન હોવો જોઇએ- TRAI

TRAIના આદેશ મુજબ કંપનીએ એવા રિચાર્જ પ્લાન ઓફર કરવા પડશે જેમાં માત્ર વોઈસ (કોલિંગ) અને SMS સેવાઓનો સમાવેશ થતો હોય. કંપનીઓએ 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી (માન્યતા અવધિ) ઈચ્છતા ગ્રાહકો માટે આવા પ્લાન પૂરા પાડવા પડશે અને આ પ્લાનમાં દર મહિને એક નિશ્ચિત તારીખે પ્લાન રિન્યૂ  કરવાનો વિકલ્પ પણ હોવો જોઈએ. આ ઉપરાંત, કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન પણ ઓફર કરવો પડશે જેની વેલિડિટી 30 દિવસથી વધુ હોય.

mobile use

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 'ટેલિકોમ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન (તેરમો સુધારો) રેગ્યુલેશન્સ, 2026' બહાર પાડીને મોબાઈલ વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નવા નિયમો હેઠળ, તમામ ટેલિકોમ કંપનીઓએ હવે એવા રિચાર્જ પ્લાન ઓફર કરવા પડશે જે માત્ર કોલિંગ અને SMS સુવિધાઓ પૂરી પાડે છે એટલે કે તેમાં ડેટાનો સમાવેશ થશે નહીં.

નવો પ્લાન વ્યાજબી કિંમતના હોવા જોઇએ- TRAI

આ ઉપરાંત, દરેક કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન ઓફર કરવો પડશે જેમાં માત્ર વોઈસ અને SMS સુવિધા હોય અને તેની વેલિડિટી 30 દિવસથી વધુ હોય, જેથી લાંબી વેલિડિટી ઈચ્છતા ગ્રાહકોને પણ ડેટા-મુક્ત વિકલ્પ મળી રહે. TRAIએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે આ પ્લાનની કિંમત વ્યાજબી રાખવામાં આવે જેથી તે ડેટા ધરાવતા પ્લાન કરતાં સસ્તા હોય.

trai-mobile-recharge

28-દિવસના બંધનમાંથી મુક્તિ

21 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા નવા નિયમ હેઠળ, ટેલિકોમ કંપનીઓ માટે વોઈસ, SMS અને ડેટા સેવાઓ માટે 30 દિવસ કે તેથી ઓછી માન્યતા (વેલિડિટી) ધરાવતા અનેક ટૂંકા ગાળાના 'સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ' (STVs) રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

TRAI (ટ્રાઈ) ના ધ્યાનમાં આવ્યું હતું કે 2024માં '12મા સુધારા'ના અમલીકરણ બાદ, કંપનીઓએ માત્ર કોલિંગ માટેના પેક તો રજૂ કર્યા હતા, પરંતુ જાણીજોઈને તેને લાંબા ગાળાની માન્યતા સુધી જ મર્યાદિત રાખ્યા હતા. આ પ્રકારની વ્યૂહાત્મક મર્યાદાને કારણે ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે આવા પેક ખરીદવા મુશ્કેલ બનતા હતા. આ સમસ્યાના નિવારણ માટે, TRAI દ્વારા આ નવો અને કડક સુધારો અમલમાં મૂકવામાં આવ્યો છે.

call

નવા નિયમો શું છે?

30 દિવસ કે તેથી ઓછી માન્યતા (વેલિડિટી) ધરાવતા ફરજિયાત પ્લાન: કંપનીઓએ હવે બજારમાં એવા અનેક ટૂંકા ગાળાના વિકલ્પો રજૂ કરવા પડશે—જેમાં વોઇસ, SMS અને ડેટા સેવાઓનો સમાવેશ થતો હોય અને જેની માન્યતા 30 દિવસ કે તેથી ઓછી હોય.

નિશ્ચિત રિન્યુઅલ તારીખ ધરાવતો પ્લાન: તમામ ટેલિકોમ ઓપરેટરોએ ઓછામાં ઓછું એક એવું 'સ્પેશિયલ ટેરિફ વાઉચર' (STV) ઓફર કરવું જરૂરી છે જે દર મહિને એક જ નિશ્ચિત તારીખે રિન્યુ થાય. જો કોઈ ચોક્કસ મહિનામાં તે તારીખ ન હોય (દા.ત. ૩૧મી તારીખ), તો તે મહિનાનો છેલ્લો દિવસ (30મી અથવા 28મી/29મી તારીખ) રિન્યુઅલની તારીખ ગણવામાં આવશે.

યોગ્ય કિંમત નિર્ધારણ: આ ઉપરાંત, કંપનીઓએ માસિક રિન્યુઅલ વિકલ્પ કરતાં વધુ માન્યતા અવધિ ધરાવતું 'સ્પેશિયલ ટેરિફ વાઉચર પણ પ્રદાન કરવું પડશે, જ્યારે અન્ય તમામ 'સ્પેશિયલ ટેરિફ વાઉચરની માન્યતા 30 દિવસ કે તેથી ઓછી હોવી જોઈએ.

નવા પ્લાનથી કોને થશે ફાયદો 

આ નિર્ણયથી મુખ્યત્વે એવા ગ્રાહકોને ફાયદો થશે જેઓ ખૂબ ઓછો અથવા બિલકુલ મોબાઈલ ડેટા વાપરતા નથી. આ ખાસ કરીને વૃદ્ધ વપરાશકર્તાઓ અને ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે રાહતરૂપ છે, કારણ કે તેઓ હવે બિનજરૂરી ડેટા ધરાવતા મોંઘા પ્લાન ખરીદવા માટે મજબૂર નહીં બને. તેઓ હવે તેમની જરૂરિયાતો અને બજેટને અનુરૂપ પ્લાન પસંદ કરી શકશે. TRAIએ જણાવ્યું હતું કે આ નિયમના ડ્રાફ્ટ (ખરડા) અંગે જનતા તરફથી કુલ 1,132 પ્રતિભાવો મળ્યા હતા અને તેના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:Petrol Diesel Price Today: મુંબઇ હોય કે અમદાવાદ.. દિલ્હી હોય કે સુરત.. 1 લિટર પેટ્રોલ ડીઝલના કેટલા ચૂકવવા પડશે?