Andhra Pradeshના શ્રીકાકુલમ જિલ્લામાં બુધવારે દર્દનાક ટ્રેન અકસ્માત થયો. ટેક્કલી મંડલના રવિવાલાસા નજીક રાજ રાણી એક્સપ્રેસની અડફેટે આવતાં ચાર યુવકોનાં મોત થયા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી.

20 વર્ષથી ઓછી ઉંમરના હતા તમામ મૃતક વિદ્યાર્થીઓ

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓનાં મોત થયા છે અને એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓની ઉંમર 20 વર્ષથી ઓછી હતી અને તેઓ આસપાસના ગામોના રહેવાસી હતા.

અકસ્માત કેવી રીતે થયો?

અધિકારીઓએ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સામેની તરફથી આવી રહેલી ટ્રેનને જોઈ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

એક વિદ્યાર્થી અકસ્માતમાં બચ્યો

અકસ્માતમાં બચેલા વિદ્યાર્થી સોલોમન રાજે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તમામ વિદ્યાર્થીઓ શૌચ માટે ગયા હતા. રાજ પણ અકસ્માતમાં ઘાયલ થયો છે અને તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું 

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃત વિદ્યાર્થીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સત્તાવાર નિવેદન અનુસાર, નાયડુએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો:  હિંમતનગરના કાંકણોલ પાસે ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર બે યુવકોના ડૂબી જવાથી મોત