ભારતીય રેલવે એ કરોડો લોકો માટે મુસાફરીનું સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય માધ્યમ છે. જોકે, ક્યારેક પાયાની સુવિધાઓને મજબૂત બનાવવા કે સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવેને કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવાની ફરજ પડે છે. તાજેતરમાં, ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન હેઠળ આવતા લલિતપુર સ્ટેશન પર 'યાર્ડ રિમોડેલિંગ'નું ટેકનિકલ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરોને અગાઉથી જાણકારી આપી દીધી છે, જેથી તેમને કોઈ અગવડતા ન પડે.
6 ટ્રેનો કરાઇ રદ્દ
રેલવે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ આધુનિકીકરણનું કામ 1 જુલાઈ, 2026 થી શરૂ થઈ ગયું છે, જે 1 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. આ કામગીરીને લીધે ટ્રેનોના સમયપત્રક અને રૂટમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યત્વે 34 જેટલી મહત્વની એક્સપ્રેસ અને સ્પેશિયલ ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ યાદીમાં નવી દિલ્હી-હૈદરાબાદ એક્સપ્રેસ, હૈદરાબાદ-હઝરત નિઝામુદ્દીન, વિશાખાપટ્ટનમ-નવી દિલ્હી, અમદાવાદ-સહરસા, ચેન્નાઈ-નવી દિલ્હી, અને અમૃતસર-બિલાસપુર જેવી લાંબા અંતરની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લોકમાન્ય તિલક ટર્મિનસ-અયોધ્યા કેન્ટ અને યશવંતપુર-હઝરત નિઝામુદ્દીન જેવી ટ્રેનો પણ ડાયવર્ઝનને કારણે વિલંબિત થઈ શકે છે.










