ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે, જ્યાં નવરાત્રી અને દશેરા જેવા મોટા તહેવારો પર લોકો પોતાના વતન કે પરિવારજનો પાસે જવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, તહેવારોના આ દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મધ્ય રેલવેના ડીકેજીએસ-આરડીયુએસ (DKGS-RDUS) સેક્શન પર ચાલી રહેલા આવશ્યક નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે રેલવે પ્રશાસને કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવાનો અને ઘણી ટ્રેનોના રૂટ બદલવાનો મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર મુસાફરો પર પડશે.

અનેક ટ્રેનો રદ અને રૂટમાં ફેરફાર

રેલવે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આજે એટલે કે 1 ઓક્ટોબરે ટ્રેન નંબર 13420 ભાગલપુર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે ટ્રેન નંબર 13419 મુઝફ્ફરપુર-ભાગલપુર એક્સપ્રેસ પણ રદ રહેશે. આ સ્પષ્ટ ટ્રેનો ઉપરાંત અન્ય કેટલીક ટ્રેનોની સેવાઓ પણ આ કાર્યોથી પ્રભાવિત થવાની સંભાવના છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, દરભંગા-ગોરખપુર, હાવડા-કામખ્યા, ગોરખપુર-સીલદહ અને અયોધ્યા-ન્યૂ જલપાઈગુડી સહિત અંદાજે 19 જેટલી ટ્રેનોના માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ આસનસોલ-ગોરખપુર, પાટલીપુત્ર-ગોરખપુર, રક્સૌલ-હાવડા અને હાવડા-જયનગર જેવી મહત્વની ટ્રેનોના સંચાલન પર પણ કાપ મૂકવામાં આવ્યો છે.

પરિવારોને પડી શકે છે મુશ્કેલી

આ ફેરફારોને કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો સાથે મુસાફરી કરતા પરિવારોને સ્ટેશન પર ભારે અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ રૂટ પર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો સ્ટેશન પર પહોંચતા પહેલા રેલવેના હેલ્પલાઇન નંબર 139 પર કોલ કરીને તમારી ટ્રેનનું ચોક્કસ સ્ટેટસ અને નવો રૂટ અવશ્ય તપાસી લેવો હિતાવહ છે. અગાઉથી માહિતી મેળવવાથી સ્ટેશન પર થતી દોડધામ અને મુશ્કેલીઓથી બચી શકાશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અસુવિધા માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સુરક્ષિત મુસાફરી માટે અગાઉથી ટ્રેનનું ટાઈમટેબલ ચકાસીને જ ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું ઇરાનના કહેવાથી ફ્લાઇટ કરાઇ હતી હાઇજેક? ઇઝરાયલ આ એંગલથી પણ કરી રહ્યુ છે તપાસ