દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવતાં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગે ચિંતા વ્યક્ત કરી છે. આયોગે પ્રદર્શનકારીઓ, આંદોલનના નેતાઓ, નાગરિક સમાજ સંગઠનોના સભ્યો, વકીલો અને પત્રકારોની અટકાયતના અહેવાલો અંગે ચિંતા દર્શાવીને ભારતીય અધિકારીઓને મહત્તમ સંયમ રાખવા અપીલ કરી છે.

શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારનું સન્માન કરવા અપીલ

આયોગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના અધિકારનું સંપૂર્ણ સન્માન થવું જોઈએ અને તેનું રક્ષણ પણ સુનિશ્ચિત કરવું જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનો પર મૂકવામાં આવતાં પ્રતિબંધો જરૂરિયાત અને પ્રમાણસરતાની કસોટી પર ખરા ઊતરવા જોઈએ તેમ પણ નિવેદનમાં જણાવાયું છે.

અટકાયત કરાયેલા લોકોને બિનશરતી મુક્ત કરવાની માગ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગે ભારતીય અધિકારીઓને કાયદાનો અમલ કરતી એજન્સીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે મહત્તમ સંયમ રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. નિવેદન મુજબ, મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવેલા લોકોને તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવા જોઈએ. આયોગે લોકોની વ્યાપક ચિંતાઓને દૂર કરવા માટે અધિકારીઓને અર્થપૂર્ણ સંવાદ હાથ ધરવા પણ અનુરોધ કર્યો છે.

આશરે 7,000 લોકોની અટકાયત થયાનો દાવો

મુખ્ય ચૂંટણી કમિશનર સામે CJPના પ્રદર્શનના એલાન બાદ દિલ્હી પોલીસે કાર્યવાહી કરી હતી. અહેવાલમાં જણાવાયેલા સત્તાવાર આંકડા મુજબ, આશરે 7,000 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અહેવાલ પ્રમાણે, અટકાયતમાં લેવાયેલા મોટા ભાગના લોકોને 10થી 12 કિલોમીટર દૂર લઈ જઈને છોડી મૂકવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી જેવા નેતાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

કેટલાક લોકો અંગે સ્થિતિ સ્પષ્ટ નથી

અહેવાલ મુજબ, અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિતના કેટલાક લોકો અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીએ રવિવારે ફરીથી વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે.



આ પણ વાંચો   :  Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...Video