કેન્દ્રીય બજેટ 2026ને લઈને કેન્દ્ર સરકારના મંત્રીઓએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે આ બજેટે આધુનિક ટેક્નોલોજીને ઓળખી છે અને ભારતને નવી ટેક્નોલોજી અપનાવીને આગળ વધારવાનો સ્પષ્ટ રોડમેપ આપ્યો છે. પીયુષ ગોયલે વધુમાં જણાવ્યું કે બજેટમાં પરમાનેન્ટ મેગ્નેટ, ઈલેક્ટ્રોનિક્સ અને ક્રિટિકલ મિનરલ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.



ડેટા સેન્ટર્સમાં મોટા પ્રમાણમાં રોકાણ

ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સનું ઉત્પાદન 20,000થી વધીને 40,000 થયું હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ આ ક્ષેત્રોમાં કામ કરવા માટે કુશળ માનવ સંસાધન તૈયાર કરવા સ્કિલ ડેવલપમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ડેટા સેન્ટર્સમાં મોટા પ્રમાણમાં રોકાણ થાય છે અને જો ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થાપિત થશે તો વિદેશી કંપનીઓને 2047 સુધી ટેક્સ ફ્રીની સુવિધા આપવામાં આવશે. તેના કારણે દેશમાં મોટાપાયે રોકાણ આવશે, રોજગાર સર્જાશે અને મજબૂત ઈકોસિસ્ટમ વિકસશે. ડેટા સેન્ટર્સ માટે વધુ વીજળીની જરૂરિયાતને કારણે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં પણ રોકાણ વધશે અને વિદેશી કરન્સી કમાણીમાં વધારો થશે.

દેશમાં પરિવહન ક્ષેત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે: અશ્વિની વૈષ્ણવે

બીજી તરફ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આજનું બજેટ યુવા શક્તિથી પ્રેરિત છે અને ‘વિકસિત ભારત’ના રોડમેપને આગળ વધારવાનું બજેટ છે. તેમણે કહ્યું કે રેલવે માટે 2 લાખ 78 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બજેટમાં હાઈ-સ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે અને રેલવે સલામતીમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના જણાવ્યા મુજબ, અકસ્માતોમાં 95 ટકા સુધીનો ઘટાડો થયો છે. હવે ટ્રેક મેન્ટેનન્સ, લોકો અને વેગન મેન્ટેનન્સ, કોચ મેન્ટેનન્સ, કવચ સિસ્ટમનું ઝડપી ઈન્સ્ટોલેશન, CCTV કેમેરા, OHE સિસ્ટમ અપગ્રેડ અને નવા સ્ટેશનોના નિર્માણ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે બજેટમાં કુલ 7 નવા હાઈ-સ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ મળશે.

આ પણ વાંચો : Manipur : સરકાર બનાવવા માટે અટકળો થઈ શરૂ, NDAના તમામ ધારાસભ્યોને ભાજપ હાઈકમાન્ડનું તેડું


  • Follow us on: