કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશના ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપતા કુલ સાત મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કર્યા છે. આ તમામ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. 2,19,353 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયોની માહિતી આપી હતી.
https://twitter.com/ANI/status/2077330461345661014
તેમણે જણાવ્યું કે પ્રથમ બે નિર્ણયો વારાણસી (કાશી)ના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે સંબંધિત છે. તેમાં વરુણા નદી કિનારે 6/4 લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવા માટે રૂ. 10,998 કરોડ અને ગંગા નદી કિનારે 6 લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવા માટે રૂ. 14,448 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા પર ફોક્સ
કેબિનેટે દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને મજબૂત બનાવવા માટે Semicon 2.0 યોજનાને રૂ. 1,27,500 કરોડના ખર્ચ સાથે મંજૂરી આપી છે. ઉપરાંત, દેશમાં મોબાઈલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) માટે રૂ. 62,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નીતિનો મુખ્ય હેતુ દેશમાં યુરિયાનું સ્થાનિક ઉત્પાદન વધારી આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવાશે
આ ઉપરાંત, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી છે. તેમાં પરાદીપ-હરિદાસપુર રેલવે લાઇનના ડબલિંગ માટે રૂ. 2,542 કરોડ અને ડાંગોઆપોસી-રાજખરસાવન વચ્ચે ચોથી રેલવે લાઇન માટે રૂ. 1,365 કરોડના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયો દેશના ઔદ્યોગિક વિકાસ, રોજગાર સર્જન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.
આ પણ વાંચો : West Bengal : મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો, મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા