ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શનિવારે વહેલી સવારે હૃદય કંપાવી દેતો માર્ગ અકસ્માત થયો હતો. જયપુરથી એક વ્યક્તિનો મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જઈ રહેલી ઝડપી એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઊભેલી પિકઅપ સાથે પાછળથી અથડાઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત તેમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) હૈદરગઢ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત બાદ એક્સપ્રેસવે પર હાઇવે પેટ્રોલિંગ અને માર્ગ સુરક્ષાની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે વહેલી સવારે સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પૂર્વાંચલ એક્સપ્રેસવેના 53.3 કિલોમીટર પાસે થયો હતો. જયપુરથી આવી રહેલી ઝડપી એમ્બ્યુલન્સ (RJ 14 PF 8529) કાબૂ બહાર જતાં રસ્તાની બાજુમાં ઊભેલી પિકઅપ (UP 78 JT 6480) સાથે પાછળથી જોરદાર અથડાઈ હતી.

અકસમાત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક CHC હૈદરગઢ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા.

હાર્ટ એટેકથી સગાનું મોત થયું હતું, મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા

મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સમાં 38 વર્ષીય અઝીઝુલહકનો મૃતદેહ હતો. જયપુરમાં હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું. પરિવારજનો તેમનો મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર અમીનુર હક (40), હરિઓમ (33), રૂપિક (50), મકબૂલ ખાન (62) અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર આલમનાં મોત થયાં હતાં. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.

એક્સપ્રેસવેની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

પૂર્વાંચલ એક્સપ્રેસવે જેવા હાઇ-સ્પીડ માર્ગ પર રસ્તાની બાજુમાં ઊભેલી પિકઅપ સાથે થયેલી આ ટક્કરે હાઇવે પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ચર્ચા છે કે એક્સપ્રેસવે પર પિકઅપ કયા સંજોગોમાં ઊભી હતી અને શું પેટ્રોલિંગ ટીમને તેની જાણ હતી? હાલમાં પોલીસ તમામ પાસાંની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની વાત કહી રહી છે.

આ પણ વાંચો:Antibiotics Side Effects: સાવધાન! સામાન્ય તાવ અને શરદીમાં એન્ટિબાયોટિક લેતા પહેલાં આ જાણો