ખાણી-પીણીનો શોખ ક્યારેક કેટલો ભારે પડી શકે છે, તેનો જીવંત દાખલો દેવરિયા જિલ્લાના રામપુર કારખાના વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં ભગવાનપુર તિવારી ગામમાં રહેતા વિમલેશ મિશ્રા, જેઓ વારાણસીના એક મંદિરમાં પૂજારી છે, તેમના ઘરેથી અંદાજે 85 લાખ રૂપિયાના દાગીના ગાયબ થઈ ગયા. જ્યારે આ રહસ્ય પરથી પડદો ઉચકાયો ત્યારે જાણવા મળ્યું કે તેમનો સાતમા ધોરણમાં ભણતો પુત્ર આ તમામ દાગીના મોમોઝ ખાવા માટે દુકાનદારોને આપીને આવ્યો હતો.

શું છે આખો ઘટના ક્રમ?

વિમલેશ મિશ્રાના પુત્રને મોમોઝ ખાવાની ખૂબ જ લત હતી. તે અવારનવાર દેવરિયા-કસયા માર્ગ પર આવેલા ડુમરી ચોકમાં મોમોઝ ખાવા જતો હતો. ત્યાં દુકાન લગાવતા ત્રણ યુવકોએ બાળકની આ નબળાઈનો ગેરફાયદો ઉઠાવ્યો. તેમણે બાળકને લલચાવીને અને મોમોઝ ખવડાવવાના બહાને ધીમે-ધીમે તેની પાસેથી ઘરના સોના-ચાંદીના દાગીના માંગવાનું શરૂ કર્યું. નાદાન બાળક ઘરની તિજોરીમાંથી પોતાની અને પોતાની બહેનના કિંમતી દાગીના કાઢીને આ શઠ દુકાનદારોને સોંપતો રહ્યો.

ભાંડો કેવી રીતે ફૂટ્યો?

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે વિમલેશ મિશ્રાની બહેન પોતાના દાગીના લેવા માટે ઘરે આવી. જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. લાખોની કિંમતના દાગીના ગાયબ હતા. કડકાઈથી પૂછપરછ કરતા બાળકે કબૂલાત કરી કે તેણે મોમોઝ ખાવા માટે ડુમરી ચોકના દુકાનદારોને આ દાગીના આપ્યા છે.

પિતાએ પોલીસને કરી જાણ

પિતા વિમલેશ મિશ્રાએ તાત્કાલિક રામપુર કારખાના પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બે મોમોઝ વેચનારાઓની અટકાયત કરી છે અને દાગીના રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. તે વાલીઓ માટે એક લાલબત્તી સમાન છે કે પોતાના બાળકો ક્યાં જાય છે અને તેમની ખાવા-પીવાની આદતો પાછળ કોઈ તેમને છેતરી તો નથી રહ્યું ને?

આ પણ વાંચોઃ Bangladesh: બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ભ્રષ્ટાચાર મામલે 10 વર્ષ જેલની સજા